- ખેડા જિલ્લામાંથી પ્રતિબંધિત વૃક્ષો હટાવવા માંગ
- ઉત્તરસંડા રોડ, પીપલગ, બિલોદરા, પીજ, વસો અને ને.હા.ના ડિવાઈડર ઉપર વૃક્ષોથી ખતરો
નડિયાદ : ગુજરાત સરકારે કોનોકોપર્સ વૃક્ષો પર પ્રતિબંધ જાહેર કરેલ છે.આ વૃક્ષો અનેક રોગો તેમજ પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડતા હોય છે આમ છતાં ખેડા જિલ્લામાં નડિયાદ પશ્ચિમમાં વોક વે સહિત વિવિધ વિસ્તારોમાં હજુ પણ કોનો કોપર્સ વૃક્ષો જોવા મળી રહ્યા છે. આ જોખમી વૃક્ષોને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓથી માંગણી છે.
કોનોકાર્પસ વૃક્ષો લોકોના આરોગ્ય તેમજ પર્યાવરણ માટે જોખમ રૂપ હોવાનું જણાય આવ્યું છે જેને ધ્યાનમાં લઇ સરકાર દ્વારા કોનો કોપર્સ વૃક્ષ ઉછેરવા તેમજ વાવેતર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આમ છતાં નડિયાદ શહેરમાં મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોક-વે તેમજ ઉત્તરસંડા રોડ પર, પીપલગ, બિલોદરા, પીજ, વસો, નેશનલ હાઈવેના ડિવાઇડર સહિત ઘણા વિસ્તારોમાં જાહેર સ્થળો, સરકારી કચેરીઓ તેમજ બેંક વેટ હોલ, રિસોર્ટ જેવા સ્થળો પર કોનોકાર્પસ વૃક્ષો જોવા મળી રહ્યા છે. શ્વાસના રોગો ફેલાવતા કોનોકાર્પસ વૃક્ષથી આરોગ્ય અને પર્યાવરણ સામે ખતરો છે.
ગુજરાત સરકારે વન વિભાગની નર્સરીમાં કોનોકાર્પસના ઉછેર અને વાવેતર પર પ્રતિબંધ મૂક્યો છે તેમજ અન્ય શહેરોમાં પણ આવા વૃક્ષો દૂર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. છતાં ખેડા જિલ્લામાં હાલમાં જાહેર સ્થળોએ હજૂ વૃક્ષો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. આ વૃક્ષો પર્યાવરણ તેમજ પ્રજાના આરોગ્ય માટે જોખમી હોવાથી નડિયાદ શહેર સહિત જિલ્લામાં આવેલા કોનોકાર્પસ વૃક્ષો દૂર કરવા પર્યાવરણ પ્રેમીઓમાંથી માંગણી ઉઠી છે.
વૃક્ષના મૂળ ઊંડે સુધી જતા પાઈપ લાઈન, બાંધકામને નુકસાન કરે છે
કોનોકાર્પસ વૃક્ષોના મૂળિયા ઊંડે સુધી વિસ્તરતા હોવાથી જમીનમાં નાખેલી પાઇપલાઇનનો કેબલ તેમજ બાંધકામને નુકસાન કરી શકે છે. એટલું જ નહીં ભૂગર્ભ જળ શોષી લેતું હોય છે. જેથી જળ સ્તર ઊંડા જતા પાણીનું સંકટ ઊભું થઈ શકે છે.
વૃક્ષોની સુગંધ એટલે તીવ્ર હોય છે કે પક્ષીઓ માળા પણ બનાવતા નથી
કોનો કોપર્સના વૃક્ષોની પરાગરજ ઉડીને શ્વાસમાં જતા શરદી અસ્થમા જેવા શ્વસન રોગ નોતરતા હોય છે. આ વૃક્ષોની તીવ્ર સુગંધ માથું ચઢી જાય તેવી હોય છે આ વૃક્ષો પર પક્ષીઓ માળો પણ બાંધવાનું પસંદ કરતા નથી આમ આ વૃક્ષો આરોગ્ય અને પર્યાવરણ માટે જોખમી સાબિત થઇ રહ્યા છે.


