પશ્ચિમ વિસ્તારમાં અનેક રસ્તાઓનું ધોવાણ થતા કોંગ્રેસ કાર્યકર્તાનો અનોખો વિરોધ

શહેરના પશ્ચિમ વિસ્તારમાં અનેક રસ્તાઓ ધોવાઈ જતા કોંગ્રેસ કાર્યકર્તાએ લોકોમાં જાગૃતતા લાવવા અને તંત્રની આંખો ખોલવા પોસ્ટર બેનર લગાવેલ જીપ સાથે અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

શહેરમાં અનેક રસ્તાઓનું ધોવાણ થતા લોકો પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને, પશ્ચિમ વિસ્તારમાં અનેક માર્ગો ઉપર મોટા ખાડા પડવા સાથે વરસાદી પાણીનો ભરાવો થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આજરોજ કોંગ્રેસના વોર્ડ નં.12ના પ્રમુખે લોકોમાં જાગૃતતા લાવવા અને તંત્રની આંખો ખોલવા અનોખી રીતે અભિયાન હાથ ધર્યું છે. આજે તેઓ કલાલી, અટલાદરા, બિલ અને વિશ્વામિત્રી વિસ્તારમાં "ડામરના ભ્રષ્ટાચારીના ઘરે આવો બાળક જન્મશે" તેવા પોસ્ટર સાથેની જીપ લઈ નીકળતા ચર્ચાનો વિષય બન્યો હતો. તેઓનું કહેવું હતું કે, સનસીટીથી સૂર્યદર્શન ટાઉનશીપનો માર્ગ, સિદ્ધેશ્વર ફ્લેટથી બિલ રોડ, અટલાદરાથી બિલરોડ અને બિલથી ભાયલી ફાટકનો માર્ગનું ધોવાણ થઈ જતા માર્ગ ઉપર મોટા ખાડા પડ્યા હોય વરસાદી પાણીનો ભરાવો થતા લોકોને અકસ્માતનો ભય સતાવે છે. આવા રસ્તાઓની અનેક ફરિયાદો હોવા છતાં સમસ્યાનો ઉકેલ કાયમી ધોરણે આવી રહ્યો નથી.









