રાજકોટ અગ્નિકાંડના મૃતકોના ન્યાય માટે રેલી શરૂ થતાં જ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત, 6 દિવસનો કાર્યક્રમ જાહેર
Congress workers detain : ગુજરાતના ઈતિહાસના સૌથી દર્દનાક એવા રાજકોટમાં ટી.આર.પી.ગેમઝોનમાં 25મે 2024ના માનવીય લાપરવાહીથી લાગેલી આગમાં 27 લોકો બળીને એટલા ખાખ થઈ ગયા હતા કે શરીરનું એક અંગ પણ બચ્યું ન હતું. આ ઘટનાને આગામી 25મેના એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. ત્યારે અગ્નિકાંડ પછી પણ જૈસે થે રહેલા મનપાના તંત્રને ઢંઢોળવા અને મૃતકોના પરિવારજનોને ન્યાય માટે આજે સવારે કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગથી રેલી કાઢવામાં આવી હતી. જેમાં ભાજપ હાય હાયના નારા સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ રેલી ત્રિકોણબાગથી મનપા કચેરી સુધી યોજાવવાની હતી, પરંતુ રેલી શરૂ થતાં પોલીસે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના દ્વશ્યો જોવા મળ્યા હતા. આ ઉપરાંત સાવચેતીના ભાગરૂપે મનપા કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
શહેર કોંગ્રેસ પ્રમુખ અને મનપાના વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે 'કોંગ્રેસે આજથી (મંગળવાર) સળંગ છ દિવસ સુધી અગ્નિકાંડના મુદ્દે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો ઘડી કાઢયા છે જેમાં (1) 20 મેના આજે કમિશનરના ઘેરાવ સાથે શહેરમાં પત્રિકા વિતરણ (2) 21મેને બુધવારે પો.કમિ.ને રજૂઆત અને ન્યાય સંકલ્પ રથ ફેરવાશે. (3) 22મેને ગુરુવારે સવારે 11 વાગ્યે વોર્ડ પ્રભારીઓ દ્વારા વિસ્તારોમાં રિક્ષામાં સ્ટીકર તથા 23મેના પણ પત્રિકા વિતરણ સહિત કાર્યક્રમો (4) 24મેના અગ્નિકાંડમાં સરકારની ભૂમિકા અંગે વિગતો જાહેર કરાશે અને (5) 25મેના સાંજે જિલ્લા પંચાયત ચોકમાં કેન્ડલ માર્ચ યોજાશે.'
ઉલ્લેખનીય છે કે જે તે સમયે ગેમઝોન પર ગયેલા નેતાઓ, આઈ.પી.એસ., આઈ.એ.એસ. અધિકારીઓના ફોટા વાયરલ થયા હતા, ગેમઝોનને લાયસન્સ આપનાર પોલીસ કમિશનર સહિત અધિકારીઓની બદલી કરાઈ હતી અને ગેમઝોન ગેરકાયદે છતાં તેનું ડીમોલીશન નહીં કરનાર ટી.પી.ઓ. તેમજ ફાયર સેફ્ટીની કાર્યવાહી મુદ્દે ચીફ ફાયર ઓફિસર સહિત માત્ર મ્યુનિ.અધિકારીઓની ધરપકડ કરાઈ હતી અને મ્યુનિ.કમિશનરની બદલી થઈ હતી. પરંતુ, પદાધિકારીઓ-અધિકારીઓ વિરુદ્ધ કોઈ શિક્ષાત્મક પગલા લેવાયા ન હતા. જેની સામે કોંગ્રેસે અસંતોષ વ્યક્ત કરી નિર્લિપ્ત રાય જેવા અધિકારી પાસે તપાસની માંગ કરી હતી. પરંતુ, લેટરકાંડની તપાસ સોંપનાર સરકારે આ તપાસ નિર્લિપ્ત રાય જેવા અધિકારીને સોંપી ન હતી.