For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિધાનસભામાં રાહુલ ગાંધી મુદ્દે કોંગ્રેસનો હોબાળો, આખા સત્ર માટે કોંગી ધારાસભ્યો સસ્પેન્ડ

કોંગ્રેસના ધારાસભ્યોએ કાળા કપડાં પહેરીને સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું

Updated: Mar 27th, 2023

Article Content Image

ગાંધીનગર, 27 માર્ચ 2023 સોમવાર

ગુજરાત વિધાનસભાના સત્રમાં આજે પેન્શન સહિતના નિવૃત્તિ લાભો તથા કર વસૂલાત ખર્ચ, વીજળી પરિયોજનાઓ અંગે પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચાઓ થવાની હતી. પરંતુ તે પહેલાં જ કોંગ્રેસના સભ્યોએ કાળા કપડાં પહેરીને ગૃહમાં આવતાં જ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના સભ્યો રાહુલ ગાંધીને લઈને વિધાનસભામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં. જેથી તેમને  સત્ર સમાપ્ત થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવાયા હતાં. 

ઋષિકેશ પટેલની દરખાસ્તને બળવંતસિંહનું સમર્થન
સંસદિય મંત્રી ઋષિકેશ પટેલે દરખાસ્ત કરી હતી કે, વિધાનસભાના સત્રના અંત સુધી કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે. તેમની આ દરખાસ્તને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સમર્થન આપ્યું હતું. ગૃહમાં અધ્યક્ષે કહ્યું હતું કે, લોકસભામાં કરવામાં આવેલા નિર્ણયની ચર્ચા કે વિરોધ વિધાનસભા ગૃહમાં ના થઈ શકે. આખરે તમામ ધારાસભ્યોને સત્રના અંત સુધીમાં સસ્પેન્ડ કરી દેવાયા હતાં. 

કાળા કપડાં પહેરી પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન
સત્ર શરૂ થતાં જ કોંગ્રેસના ધારાસભ્યો કાળા કપડાં પહેરીને વિરોધ કરી રહ્યાં હતાં. રાહુલ ગાંધી મુદ્દે પ્લે કાર્ડ લઈને ધારાસભ્યોએ સુત્રોચ્ચાર કર્યો હતો. ગૃહમાં હોબાળો થતાં જ અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતાં. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં રાહુલ ગાંધીને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. બીજી તરફ અદાણી મુદ્દે વિપક્ષી દળના સાંસદોએ કાળા કપડાં પહેરી પોસ્ટર સાથે સંસદ ભવનમાં વિરોધ કર્યો હતો. જેના કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. 

Article Content Image

કોંગ્રેસનો દરેક કાર્યકર રાહુલ ગાંધીની સાથે ઉભો છે
કોંગ્રેસ દળના નેતા અમિત ચાવડાએ પત્રકારોને જણાવ્યું હતું કે, આજે દેશમાં નવા અંગ્રેજોનું શાસન સ્થાપિત થયું છે. દેશની સંપત્તિ પોતાના મિત્રોને લૂંટાવાની છુટ આપવામાં આવી છે. અંગ્રેજોના શાસનમાં આઝાદી માટે મહાત્મા ગાંધીજી લડતા હતાં. આજના નવા અંગ્રેજો સામે રાહુલ ગાંધી લડી રહ્યાં છે. આ 56ની છાતી વાળી સરકાર ચીન સામે કેમ ચૂપ છે. અદાણીના સવાલો સામે સરકાર ચર્ચાઓ કરવા માટે કેમ તૈયાર નથી. જેપીસીની માંગ સામે સરકાર કેમ ચૂપ છે. દેશમાં લોકતંત્રને જીવતુ રાખવા માટે રાહુલ ગાંધી આ સરકાર સામે લડી રહ્યાં છે.આજે કોંગ્રેસનો દરેક કાર્યકર રાહુલ ગાંધીની સાથે ઉભો છે. 


Gujarat