લોકો ખખડધજ રસ્તાથી પરેશાન હોય કોંગ્રેસે ખાડોદરા દર્શન યાત્રા યોજી
ખાડાઓની પૂજા કરી અનોખો વિરોધ નોંધાવ્યો
વોર્ડ નં. 14માં રસ્તાઓની ખરાબ હાલતને લઈને કોંગ્રેસે અનોખી રીતે વિરોધ કર્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર મોટા ખાડા પડતા નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે અને કમરના દુખાવા જેવી તકલીફોનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દે તંત્રને જગાડવા માટે કોંગ્રેસે “ખાડોત્સવ” ઉજવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, વોર્ડ નં. 14ના પ્રમુખ તીર્થ બ્રહ્મભટ્ટના નેતૃત્વમાં કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો ખાડોદરા દર્શન યાત્રા યોજીને રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી ગાજરાવાડી પાણીની ટાંકી માર્ગ સુધી પહોંચ્યા હતા. અહીં રસ્તા પર આવેલા ખાડાઓને ફૂલ ચડાવી, નારિયેળ વધેરી પૂજા અર્ચના કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસંગે તીર્થ બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે, વોર્ડ નં. 14માં અનેક વિસ્તારોમાં રસ્તાઓની સ્થિતિ અત્યંત દયનીય છે. મટીરીયલની ગુણવત્તા નબળી હોવાથી રસ્તાઓ થોડા જ સમયમાં ખરાબ થઈ જાય છે, જે સ્પષ્ટપણે ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે. તંત્ર જનતાની સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન બની ગયું છે. લોકોનું કહેવું હતું કે, ખરાબ રસ્તાઓના કારણે તેમને રોજિંદી મુસાફરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વરસાદી મોસમમાં ખાડાઓમાં પાણી ભરાઈ જતા અકસ્માતની શક્યતાઓ પણ વધી જાય છે. તંત્રને તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.