સહકાર વિદ્યાલયનું સંચાલન શિક્ષણ સમિતિને સોંપવા સામે કોંગ્રેસના વિરોધ બાદ દરખાસ્ત મુલત્વી
Vadodara Corporation : વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ સહકાર એજ્યુકેશન ટ્રસ્ટ શાળાનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સમાવેશ કરવા સામે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ વિરોધ બાદ આખરે સામાન્ય સભામાં દરખાસ્ત મુલતવી કરવામાં આવી હતી.
શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ સહકાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સહકાર વિદ્યાલયનું સંચાલન શિક્ષણ સમિતિ કરે તે માટે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તાજેતરમાં મળેલ શિક્ષણ સમિતિની બેઠકમાં આ મુસદ્દાને મંજૂરી આપ્યા બાદ સ્થાયી સમિતિની મંજૂરીની અપેક્ષાએ સમગ્ર ભલામણ મંજૂર કરવામાં આવી હતી. જેના આધારે શિક્ષણ સમિતિએ આ મામલે કોર્પોરેશનને જાણ કરતા ગત રોજ મળેલ સામાન્ય સભામાં સમગ્ર વિષય મામલે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના તમામ સભ્યોએ દરખાસ્તનો વિરોધ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, શહેરની કોઈ એક શાળાને આપણે શિક્ષણ સમિતિમાં સમાવવાનો નિર્ણય લઈશું તો ભવિષ્યમાં અન્ય ખાનગી સ્કૂલો પણ તેનું સંચાલન, જેઓ આર્થિક રીતે પોતાનું સંચાલન નથી કરી શકતી, તેઓ શાળાનું સંચાલન કોર્પોરેશનના માથે થોપી દેશે. ઉપરાંત જે શાળા આપણે હસ્તક લેવાના છીએ તેઓના ટ્રસ્ટમાં કોણ સભ્યો છે? એની પણ યોગ્ય પૂર્તતા કરવી જોઈએ. તો તાત્કાલિક આ દરખાસ્ત પરત કરવી જોઈએ. આ મામલે શાસક પક્ષના નેતા મનોજ પટેલ (મંછો)એ જણાવ્યું હતું કે, આ કોર્પોરેશન માટે ગર્વની બાબત છે કે, ખાનગી શાળા તેનું સંચાલન આપણી શિક્ષણ સમિતિને સોંપવા માંગે છે. જે સામે કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ્ય (ભથ્થુ)એ જણાવ્યું કે, આપણે ખાનગી શાળાના ખર્ચા માથે લેવાની કોઈ જરૂર નથી. આ શાળાના શિક્ષકોનો પગાર તથા અન્ય ખર્ચ શિક્ષણ સમિતિ કેમ ઉઠાવે? અને આ એક નવી પ્રણાલી કોર્પોરેશન માટે શરૂ થઈ જશે. જે બાદ આખરે દરખાસ્ત મુલતવી કરવામાં આવી હતી.