Video: કોંગ્રેસ MLAના સૂર બદલાયા, PM મોદી-ભાજપના વખાણ કર્યા, રાજકીય અટકળો શરુ
Statue of Unity Visit: ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિના સભ્યોએ ગુરુવારે સ્ટેચ્યુ ઑફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી હતી. આ સમિતિના સભ્યોમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પણ સાથે હતા. ત્યારે આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી અને સ્ટેચ્યુ ઑફ યુનિટી વખાણ કરતાં લોકોમાં ભારે આશ્વર્ય થયું છે. અવાર-નવાર વિવિધ કાર્યક્રમોમાં ભાજપ સરકાર અને વિકાસની નીતિ પર સવાલો ઉઠાવતાં કિરીટ પટેલના સૂર બદલાતા ભાજપની પીપૂડી વગાડતા જોવા મળ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિના સભ્યોએ સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી હતી. આ સમિતિમાં કિરીટસિંહ રાણા, હાર્દિક પટેલ, કિરીટસિંહ ડાભી, સુખાજી ઠાકોર, કિરીટ પટેલ અને ભગાભાઈ બારડનો સમાવેશ થાય છે. આ મુલાકાતમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના સૂર બદલાયેલા જોવા મળ્યા હતા.
કિરીટ પટેલ ભાજપ સરકાર પર પ્રહાર કરવાનો મોકો ચૂકતા હોતા નથી. પરંતુ એકાએક ભાજપની પીપૂડી વગાડતા હોય એવા વેણ તેમના મોંઢામાંથી નીકળ્યા હતા. વિવિધ કાર્યક્રમોમાં પીએમ નરેન્દ્ર મોદી, ભાજપ સરકાર અને ભાજપની નીતિનો વિરોધ કરતાં હોય છે,ત્યારે આજે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતાં કહ્યું હતું કે સ્ટેચ્યુ ઑફ યુનિટી બનાવવાનો વિચાર નરેન્દ્ર મોદીને આવ્યો એ સારી બાબત છે, ખૂબ સરસ પ્રતિમા બનાવી છે. સરદાર પટેલની પ્રતિમા બનાવવા બદલ નરેન્દ્ર મોદીને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ ઉપરાંત તેમણે ઇજનેરો અને અધિકારીઓના પણ વખાણ કર્યા હતા.
કિરીટ પટેલ અવાર નવાર વિવિધ કાર્યક્રમોમાં ભાજપ સરકારની કામગીરી અને નીતિ રીતિની ટિકા કરતા હોય છે, વિકાસના કામો મુદ્દે માછલા ધોતા હોય છે. પરંતુ અચાનક તેમના સૂર બદલાયેલા જોવા મળતા લોકોને આશ્ચર્ય થયું છે અને સવાલ પણ થઈ રહ્યા છે કે શું તે આગામી સમયમાં ભાજપમાં જોડાઈ જશે? તેઓ ભાજપના ધારાસભ્યો નેતાઓ સાથે SOU પહોંચ્યા હતા અને મોદી, ભાજપ સરકારના ભરપેટ વખાણ કર્યા છે.