જૂથબંધીઃગંભીરા બ્રિજ ગમે ત્યારે તૂટશે,બંધ કરો..3 વર્ષથી લડત આપતા કોંગી આગેવાનને રાહુલ ગાંધીથી દૂર રખાયા
વડોદરાઃ ગંભીરા બ્રિજ દુર્ઘટના રોકવા માટે ત્રણ વર્ષ થી રજૂઆતો કરનાર કોંગ્રેસના સ્થાનિક જિલ્લા પંચાયતના સદસ્યને આજે રાહુલ ગાંધી ની મુલાકાત વખતે દૂર રાખવામાં આવતાં કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગંભીરા બ્રિજની દુર્ઘટના અંગે ત્રણ વર્ષ પહેલાં સદસ્ય હર્ષદસિંહ પરમારે રજૂઆતો કરી હતી અને બ્રિજ પર દેખાવો પણ કર્યા હતા.તેમણે આ બ્રિજ પર રીપેરિંગ કામ ટકતું નહિ હોવાથી નવો બ્રિજ બનાવવા અને ત્યાં સુધી બ્રિજની અવરજવર સંપૂર્ણ બંધ કરવા માંગણી કરી હતી.
પરંતુ તેમની માંગણીની કોઇ ગંભીર નોંધ લેવાઇ નહતી અને તેને કારણે ૨૧ નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો હતો.આવી જ રીતે બ્રિજ દુર્ઘટનામાં ત્રણ વર્ષ દરમિયાન જવાબદાર અધિકારીઓ સામે એફઆઇઆર નોંધવાની માંગણી પણ સ્વીકારાઇ નથી.તો બીજીતરફ રાહુલ ગાંધીની ગંભીરા બ્રિજના પીડિતોની આણંદમાં મુલાકાત દરમિયાન પણ તેમને હાજર રાખવામાં આવ્યા નહતા.
ગંભીરા બ્રિજ તૂટતાં હોડીનો ઉપયોગ કરવા લોકો મજબૂર,આંદોલન થશે
ગંભીરા બ્રિજ તૂટવાને કારણે અને વૈકલ્પિક માર્ગ સિંધરોટ બ્રિજ પર પણ મોટા વાહનોની અવરજવર બંધ થવાને કારણે પાંચ હજારથી વધુ લોકોની અવરજવર પર અસર થઇ છે.જેથી નોકરી માટે મજબૂર અનેક લોકો હવે હોડીનો જોખમી ઉપયોગ કરવા મજબૂર થયા છે.કેટલાક યુવાનોએ નોકરી પણ છોડી દીધી છે.જેથી આ મુદ્દે આંદોલનની તૈયારી થઇ રહી છે અને હંગામી કેપસ્યુલ બ્રિજ બનાવવા માંગણી કરાઇ છે.