દુષ્કર્મ કેસમાં નંદેસરીના કોંગ્રેસ આગેવાનના પુત્ર અનિરુદ્ધસિંહના આગોતરા નામંજૂર, ફરિયાદ બાદથી આરોપી ફરાર છે
Vadodara News: યુવતી પર બળાત્કાર ગુજારી જબરદસ્તી ગર્ભપાત કરાવવાના કિસ્સામાં સંડોવાયેલા વડોદરાના નંદેસરીના કોંગ્રેસ આગેવાનના પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલે પોલીસ ધરપકડ ટાળવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી, જેને કોર્ટે નાંજૂર કરી હતી. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામે પ્રથમદર્શી કેસ જણાઇ રહ્યો છે.
કેસની વિગત એવી છે કે, નંદેસરીના કોંગ્રેસ અગ્રણી રાજેન્દ્રસિંહનો પુત્ર તેમજ ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારના ભાણેજ અનિરુદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (રહે.નંદેસરી) સામે યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ તેને લગ્ન કરવાની ખાતરી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. તે ગર્ભવતી થતાં આરોપીએ જબરદસ્તી ગર્ભપાત કરાવવા માટે માર માર્યો હતો અને ત્યારબાદ આણંદના રાજ નર્સિંગ હોમમાં તેનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો.
આ ચકચારી કેસમાં હાલ અનિરુદ્ધસિંહ ગોહિલ ફરાર છે અને પોલીસ ધરપકડ ટાળવા માટે તેણે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જામીન અરજીની સુનાવણીમાં સરકારી વકીલ ડી.જે.નારીયેળવાલા હાજર રહ્યાં હતા. તેમણે રજૂઆત કરી હતી કે, ફરિયાદમાં શરૂઆતથી જ આરોપીનું નામ છે. આરોપીએ લગ્નની લાલચ આપી પીડિતાનું શોષણ કર્યું છે અને તે ગર્ભવતી થતાં બળજબરીથી ગર્ભપાત કરાવ્યો છે. હોટલના રજીસ્ટરમાં આરોપીની એન્ટ્રી છે અને કોલ ડિટેઇલમાં પણ સ્થળ પર આરોપીની હાજરી જોવા મળી છે.
આ ગંભીર પ્રકારનો ગુનો છે અને હાલ તેની તપાસ ચાલી રહી છે. ગર્ભપાતમાં પીડિતાને હોસ્પિટલમાં લઇ જવામાં આવી ત્યારે આરોપીએ તેની ઓળખ પતિ તરીકે આપી છે અને તપાસમાં તે સાથે રહ્યો છે. આરોપી રાજકીય રીતે અને આર્થિક રીતે પ્રભાવશાળી વ્યક્તિ છે. જો જામીન આપવામાં આવશે તો તે સાક્ષીઓને ફોડશે. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ અરજદારની આગોતરા જામીન અરજી રદ કરી હતી.