કોંગી અગ્રણીને છાતીમાં દુખાવો થતા સયાજીમાં લવાયા
રિપોર્ટ નોર્મલ આવ્યા પછી પોલીસ તેઓને પરત ભરૃચ લઇ ગઇ
વડોદરા,ભરૃચના મનરેગા કૌભાંડમાં પકડાયેલા કોંગી અગ્રણી હીરા જોટવાને આજે પોલીસ કસ્ટડી દરમિયાન છાતીમાં દુખાવો થતા તેઓને ચેક અપ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
ભરૃચના મનરેગા કૌભાંડમાં પોલીસે કોંગ્રેસના અગ્રણી હીરા જોટવા,તેમના પુત્ર સહિત છ ને પકડયા છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ માટે રિમાન્ડ પણ લીધા હતા. આજે હીરા જોટવાને છાતીમાં દુખાવો થતા હોવાની ફરિયાદ કરી હતી. મેડિકલ ચેકઅપ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઇ આવવામાં આવ્યા હતા. સયાજી હોસ્પિટલમાં બપોરે પોણા એક વાગ્યે તેઓને લઇ આવ્યા પછી ઇ.સી.જી. રિપોર્ટ પણ કાઢવામાં આવ્યો હતો. તેમના રિપોર્ટ નોર્મલ આવ્યા પછી બપોરે બે વાગ્યે તેઓને પરત ભરૃચ લઇ જવામાં આવ્યા હતા.