કોંગ્રેસે પૂર્વ વીસી ડો.શ્રીવાસ્તવની પીએચડી ડિગ્રીની સીબીઆઈ તપાસની માગ કરી

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવની પીએચડી ડિગ્રીનો વિવાદ શૈક્ષણિક આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે.કોંગ્રેસે આ મામલામાં હવે સીબીઆઈ તપાસની માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીના અધ્યાપક પ્રો.સતિષ પાઠકે ડિગ્રીનું વેરિફિકેશન કરાવ્યું તો બુંદેલખંડ યુનિવર્સિટીએ પહેલા ડિગ્રી બોગસ હોવાનું અને બીજા દિવસે ડો.શ્રીવાસ્તવની ડિગ્રી સાચી હોવાનું કહ્યું હતું.
આ વિવાદમાં વડોદરા કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે તે જરુરી છે.ડો.શ્રીવાસ્તને એમ પણ રાજકીય આગેવાનના કૃપાપાત્ર હોઈ યુનિવર્સિટી પર ઠોકી બેસાડવામાં આવ્યા હતા.ડો.શ્રીવાસ્તવે સરકારના કેટલાક અધિકારીઓને પણ પીએચડી કરાવવામાં મદદ કરી છે.
કોંગ્રેસે તે સમયે ઉદ્યોગપતિ અજય રાંકાના અધ્યક્ષ સ્થાને બનેલી સર્ચ કમિટિ પર પણ સવાલો ઉઠાવીને કહ્યું છે કે, સર્ચ કમિટિએ કેમ ડો.શ્રીવાસ્તવના અનુભવની ચકાસણી ના કરી અને ડો.શ્રીવાસ્તવે સંખ્યાબંધ વિવાદો સર્જયા હોવા છતા કેમ ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે તેમને હોદ્દા પર ચાલુ રહેવા દીધા?









