For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

કોંગ્રેસે સરદાર સરોવર બંધ સંચાલનના સત્તાધિશો સામે તાત્કાલિક કાયદાકીય કાર્યવાહીની માંગ કરી

નર્મદા બંધ ઓવરફ્લો થાય એ કુદરતી પ્રક્રિયા લાગે આ કુદરતી નહીં માનવ સર્જિત હોનારતઃ કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશી

Updated: Sep 18th, 2023



અમદાવાદઃ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસતાં નદી નાળા ઉભરાયા છે. બીજી બાજુ સરદાર સરોવર ડેમમાં પણ પાણીની ભરપુર આવક થવા પામી છે. જેને કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોવાથી નર્મદા નદીની આસપાસના વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયાં હતાં. બીજી તરફ કરજણ તાલુકામાં નર્મદા નદીની વચ્ચે આવેલા વ્યાસ બેટ ખાતે પૂરના પાણીમાં ફસાયેલા 12 વ્યક્તિને સેનાની મદદથી બચાવી લેવામાં આવ્યાં છે.  ચાણોદની હાલત એટલી હદ સુધી ગંભીર બની ગઈ છે કે, છેલ્લા 24 કલાકથી ગામમાં વીજળી ડૂલ, લોકોના ઘર બે માળ સુધી પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. ત્યારે કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યાં છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર સામે આક્ષેપો કર્યા બાદ હવે કોંગ્રેસે બંધનું સંચાલન કરનારા સત્તાધીશો સામે તાત્કાલીક કાનૂની કાર્યવાહીની માંગ કરી છે. 

કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું

કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ કહ્યું હતું કે, સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સત્તાધીશોની ગંભીર ગુનાહિત બેદરકારી અને બેજવાબદારી-લેટ લતીફીના લીધે હજારો પરિવારો પુરનો ભોગ બન્યાં, કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું, હજારો હેક્ટર જમીનનું ધોવાણ થયું ત્યારે માનવ સર્જીત આફત માટે જવાબદાર સરદાર સરોવર પરિયોજનાના અધિકારીઓ સામે તાત્કાલીક કાનુની કાર્યવાહી કરવી જોઈએ. સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સાથે જોડાયેલા અધિકારીઓએ રુલકર્વનું ગંભીર ઉલ્લંધન કર્યું તે સ્પષ્ટ દેખાય છે. તા.14, 15, 16 સપ્ટેમ્બર ના મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાં થયેલા વરસાદના આંકડા હવામાન ખાતાએ જ જાહેર કર્યા હતા.

આયોજનના અભાવે પાણી દરિયામાં ચાલ્યું ગયું

નર્મદા બંધ ઓવરફ્લો થાય તો એ આપણને કુદરતી પ્રક્રિયા લાગે, જો કે આ કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત હોનારત છે, ૧૪ સપ્ટેમ્બરે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ શરૂ થયો હતો, નર્મદામાં ભારે પાણીનો પ્રવાહ આવવાનો શરૂ થયું, સંચાલનકર્તા અધિકારીઓએ પાણીનું યોગ્ય સંચાલન ના કર્યું, સેન્ટ્રલ વોટર કમિશન અને સરદાર પરિયોજનાને દર કલાકે વરસાદના આંકડા મોકલવામાં આવે છે, અધિકારીઓની બેદરકારીના કારણે ૧૮ લાખ ક્યુસેક પાણીનો જથ્થો એકદમ છોડવામાં આવ્યો. એકસાથે પાણી આવતા ત્રણ જિલ્લાઓમાં પાણી ફરીવળ્યા, ગુનાહીત બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરાય, ફરજ ચૂક બદલ એમની સામે કાર્યવાહી કરી રકમ વસૂલવામાં આવે, ત્રણ જિલ્લાઓમાં કરોડોના માલ-સામાનને નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને પાણી ના આપ્યું અને આયોજનના અભાવે પાણી દરિયામાં ચાલ્યું ગયું.

ડેમમાંથી ધીમે ધીમે અને સતત પાણી છોડવાનું ટાળ્યું

ડેમ સત્તાવાળાઓએ 17 સપ્ટેમ્બરની સવાર સુધી ડેમમાંથી ધીમે ધીમે અને સતત પાણી છોડવાનું ટાળ્યું હતું જેથી કરીને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ડેમ સાઈટ પર આયોજિત સમારોહ હાથ ધરવામાં આવે. સરદાર સરોવર પ્રોજેક્ટ (SSP) ડેમ ઓપરેટરોની મોડેથી, સુસ્તીભરી અને બિનજવાબદારીભરી ક્રિયાઓએ ફરી એકવાર ગુજરાતમાં ભારે અને મોટા પ્રમાણમાં ટાળી શકાય તેવા પૂરમાં ફાળો આપ્યો છે.17 સપ્ટેમ્બર, 2023ના રોજ ભરૂચના ગોલ્ડન બ્રિજ પર પાણીનું સ્તર (ઉચ્ચ પુર સ્તર)ની નજીક આવી રહ્યું હતું, પરંતુ જો સરદાર સરોવર પરિયોજના સત્તાવાળાઓએ અગાઉના આધારે પગલાં લીધાં હોત તો SSP અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ બંને વિસ્તારો માટે આ પૂર નોંધપાત્ર રીતે નીચા અને ઘણા ઓછા વિનાશક બની શક્યા હોત.

ડેમમાંથી છોડવામાં આવતું પાણી SSP પાસે આવવાનું બંધાયેલ હતું

ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમ મોડી કલાકો સુધીમાં તેમના FRL (સંપૂર્ણ જળાશય સ્તર)ની નજીક હતાં. SSP સત્તાવાળાઓ માટે 14 અને 15 સપ્ટેમ્બરે SSPના દરવાજા ખોલવાનું શરૂ કરવાનો આ બીજો સંકેત હતો કારણ કે આ અપસ્ટ્રીમ ડેમમાંથી છોડવામાં આવતું પાણી SSP પાસે આવવાનું બંધાયેલ હતું. જો કે, 16 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યા સુધી, આઘાતજનક રીતે, સરદાર સરોવર પરિયોજનામાંથી એસએસપી સત્તાવાળાઓએ હજુ પણ કોઈપણ ગેટ ખોલ્યા ન હતા, રીલીઝ ફક્ત રિવર બેડ પાવર હાઉસ (RBPH) અને કેનાલ હેડ પાવર હાઉસ (CHPH) માંથી હતા. નદીમાં પાણી છોડવાનું શરૂ કરવા માટે પૂરતી કાર્યવાહી કરવા યોગ્ય માહિતી ઉપલબ્ધ હતી. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે આ સ્પષ્ટ હકિકત પછી કોના આદેશથી બંધનું સંચાલન રુલકર્વ મુજબ કરવામાં ન આવ્યું ? બેજવાબદારી અને લેટ-લતીફી દાખવનાર અધિકારીઓ કોના ઈશારે કામ કરી રહ્યાં છે ? તેનો જવાબ ગુજરાતના નાગરિકોને મળવો જોઈએ.

Gujarat
Worldcup 2023
English
Magazines