વડોદરા સ્ટેશનથી શાસ્ત્રી બ્રિજ સુધીના રસ્તાની તાત્કાલિક સમારકામની માંગ

Vadodara Congress : કૉંગ્રેસ કાઉન્સિલરે મ્યુ. કમિશનરને પત્ર લખી સ્ટેશનથી શાસ્ત્રી બ્રિજ સુધીના રસ્તાની તાત્કાલિક સમારકામની માંગ કરી છે.
મ્યુ. કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે, વડોદરા રેલવે સ્ટેશન દેશનું પાંચમું સૌથી વ્યસ્ત સ્ટેશન છે, જ્યાંથી અઠવાડિયામાં 340થી વધુ ટ્રેનો પસાર થાય છે. રેલવે સ્ટેશન સામે શહેરની સિટી બસ સ્ટેન્ડ અને નજીકમાં સેન્ટ્રલ બસ સ્ટેશન હોવાથી આ માર્ગ શહેરમાં પ્રવેશ સાથે બહાર નીકળવાનો મુખ્ય માર્ગ ગણાય છે. સ્માર્ટ સિટીના ABD વિસ્તારમાં આવતો આ માર્ગ અત્યંત ખરાબ હાલતમાં છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આ માર્ગ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડને હસ્તાંતરિત કરવામાં આવ્યો હતો, અને કરારમાં નાગરિકો માટે માર્ગ ખુલ્લો રાખવાની શરત હતી. તેમ છતાં માર્ગની જાળવણી ન થવાથી હાલ એક જ બાજુના રસ્તો ખુલ્લો છે. અને તે પણ ઉબડખાબડ બની ગયો છે. આ માર્ગ પર દર કલાકે હજારો વાહનો પસાર થાય છે, જેના કારણે નાના મોટા અકસ્માત અને ટ્રાફિક અસરગ્રસ્ત બની રહ્યો છે. આગામી લગ્નસીઝનને ધ્યાનમાં રાખીને માર્ગની તાત્કાલિક રીસર્ફેસિંગ અને મેનહોલ લેવલના સમારકામની માંગ કરી છે.

