કડીમાં કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાને નડ્યો અકસ્માત, શ્વાનને બચાવવા જતા કાર ડિવાઇડર સાથે ટકરાઈ
Kadi News: કડી વિધાનસભા બેઠક-24ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને અકસ્માત નડ્યો છે. કડી કોર્ટ પાસે શ્વાનને બચાવવા જતા તેમની ગાડીનો અકસ્માત થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. કડી કોર્ટ પાસે શ્વાન રસ્તા પર આવી જતા કાર ડિવાઇડર પર ચડી ગઈ હતી. કાર ડિવાઇડર સાથે ટકરાતા કારના આગળના ભાગમાં નુકસાન થયું છે. જો કે, કારમાં સવાર કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાનો આબાદ બચાવ થયો છે.
તમને જણાવી દઈએ કે, આગામી 19મી જૂને રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડા વચ્ચે ચૂંટણી જંગ છે.
મળતી માહિતી મુજબ, રમેશ ચાવડા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે. રમેશ ચાવડા વર્ષ 2012માં ચૂંટણીમાં હિતુ કનોડિયાને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. જ્યારે વર્ષ 2017માં ચૂંટણી વખતે રમેશ ચાવડા ભાજપના કરસન સોલંકી સામે ચૂંટણી હારી ગયા હતા.