હજારો ઉમેદવારો પરીક્ષા આપે છે પરંતુ વિદ્યુત સહાયકોની ભરતી કરવામાં અખાડા
વડોદરાઃ રાજ્ય સરકારની વીજ કંપનીઓ એમજીવીસીએલ( મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ) અને જીસેક( ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન)માં ભરતી નહીં કરાઈ રહી હોવાથી ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે.આજે રેસકોર્સ વિસ્તારમાં આવેલા વિદ્યુત ભવનની બહાર ઉમેદવારોએ કંપનીઓની નીતિના વિરોધમાં કોંગ્રેસે અને ઉમેદવારોએ દેખાવો કર્યા હતા.જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ જોડાયા હતા.
કોંગ્રેસનું તેમજ ઉમેદવારોનું કહેવુ છે કે, એમજીવીસીએલ દ્વારા ૨૦૨૧માં વિદ્યુત સહાયકોની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી.એ પછી તાજેતરમાં પણ ફરી પરીક્ષા લેવામાં આવી હતી.હજારો ઉમેદવારો પરીક્ષા આપે છે અને પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોની સંખ્યા પણ મોટી હોય છે.તેની સામે એમજીવીસીએલ દ્વારા બે દિવસ પહેલા માત્ર ૧૦૨ ઉમેદવારોને વિદ્યુત સહાયક તરીકેના નિમણૂંક પત્રો અપાયા છે.બીજી તરફ સત્તાધીશો મોટાભાગની કામગીરીનું આઉટસોર્સિંગ કરી રહ્યા છે.જે બંધ કરવામાં આવે અને વધારે ઉમેદવારોની નિયમિત ભરતી કરવામાં આવે.સાથે સાથે જીસેકમાં પણ ૨૦૨૨માં વિદ્યુત સહાયકોની ભરતી કરવા માટે પરીક્ષા લેવાની જાહેરાત કરાઈ હતી.૫૫૦૦ કરતા વધારે ઉમેદવારો ફોર્મ ભર્યા હતા પરંતુ હજી સુધી પરીક્ષા લેવામાં આવતી નથી.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ અને અન્ય નેતાઓએ કહ્યું હતું કે, જો ભરતી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરાશે.