ગુજરાતમાં 'વોટ ચોરી'નો કોંગ્રેસનો આરોપ, કઈ 5 રીતે વોટ ચોરી થાય છે તેના પુરાવા આપ્યા
Congress Press Conference on Vote Chori: વોટચોરીના મામલે ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા ભાજપ પર 'વોટ ચોરી'નું ગંભીર ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની લોકસભા બેઠક, નવસારી, અને તેની હેઠળ આવતી ચોર્યાસી વિધાનસભા બેઠકની મતદાર યાદીની ચકાસણી કરીને વોટચોરીના આક્ષેપો કર્યા છે.
ચોર્યાસી વિધાનસભામાં ડુપ્લિકેટ અને શંકાસ્પદ મતદારો
પ્રેસ કોન્ફરન્સની શરુઆતમાં અમિત ચાવડાએ રાહુલ ગાંધીના વોટ ચોરીના ખુલાસાનો ઉલ્લેખ કર્યો અને મતદારોની ચકાસણી કરવી જરૂરી છે તેવું જણાવ્યું. પત્રકારોને વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે કે ચોર્યાસી વિધાનસભામાં કુલ 6,09,592 મતદારો છે. તેમાંથી 40% એટલે કે 2,40,000થી વધુ મતદારોની ચકાસણી કરવામાં આવી છે. આ ચકાસણી દરમિયાન 30,000થી વધુ ડુપ્લિકેટ અને શંકાસ્પદ મતદારો મળી આવ્યા છે. જો આખી મતદાર યાદીની ચકાસણી કરવામાં આવે તો 75,000થી વધુ બનાવટી મતદારો મળી શકે છે. આ 'વોટ ચોરી' ભાજપના કેન્દ્રીય મંત્રીના વિસ્તારમાંથી પકડાઈ હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.
આ 5 રીતે થાય છે વોટ ચોરી
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કઈ-કઈ રીતે વોટ ચોરી કરવામાં આવે છે. જેમાં મુખ્યત્ત્વએ આ પાંચેય રીતે વોટ ચોરી થઈ રહી છે અને તેના કારણે ચોર્યાસી વિધાનસભામાં 12% મતદારો શંકાસ્પદ જોવા મળ્યા છે. વોટ ચોરી પાંચ અલગ અલગ રીતે કરવામાં આવી રહી છે, જેના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે.
1. એક વ્યક્તિના બે અલગ-અલગ વોટ.
2. નામમાં સ્પેલિંગની ભૂલ કરીને નવો મતદાર બનાવવો.
3. EPIC નંબર બદલીને નવા મતદાર તરીકે નોંધણી કરવી.
4. અલગ-અલગ ભાષામાં ફોર્મ ભરીને મતદાર યાદીમાં નામ ઉમેરવું.
5. અલગ-અલગ સરનામા બતાવીને મતદાર તરીકે નોંધણી કરાવવી.
ગુજરાતમાં 62 લાખ જેટલા મતદારની યાદી બનાવટી હોઈ શકે: કોંગ્રેસ
ચોર્યાસી વિધાનસભાના આંકડાઓના આધારે કોંગ્રેસે અનુમાન લગાવ્યું છે કે હાલમાં સમગ્ર ગુજરાતમાં 62 લાખ જેટલા મતદારની યાદી બનાવટી હોઈ શકે છે. કોંગ્રેસે આ સમગ્ર પ્રક્રિયાને 'લોકશાહી ખતમ કરવાનું ષડયંત્ર' ગણાવ્યું છે. 'ચોકીદાર ચોર છે' તે આના પરથી સાબિત થતું હોવાનો દાવો કર્યો છે.
કોંગ્રેસ વોટર અધિકારી જનસભા યોજશે
કોંગ્રેસે આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે. રવિવારે કલેક્ટર ઑફિસ સામે 'વોટર અધિકારી જનસભા" યોજવામાં આવશે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેશે અને 'વોટ ચોર'ને ખુલ્લા પાડવામાં આવશે'. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે આ લડાઈ કોઈ પક્ષ કે ચૂંટણીની હાર-જીતની નથી, પરંતુ દેશની લોકશાહી અને બંધારણીય અધિકારોને બચાવવા માટેની છે. કોંગ્રેસે ચૂંટણી પંચને આ મુદ્દે ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું છે અને એફિડેવિટની માંગને મુદ્દો ડાયવર્ટ કરવાના પ્રયાસ ગણાવ્યા છે. આગામી સમયમાં તેઓ ઘરે-ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરશે.