ગારિયાધાર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસ-આપનું ગઠબંધન
- 7 વોર્ડની 28 બેઠક માટે 16 મીએ મતદાન
- બસપાએ 3 ઉમેદવાર ઉતાર્યા, અપક્ષમાંથી એકની ઉમેદવારી : 27 હજારથી વધુ મતદારો ન.પા.ના નવા શાસકો ચૂંટશે
ગારિયાધાર નગરપાલિકાના સાત વોર્ડની ૨૮ બેઠક માટે આગામી ૧૬મી ફેબુ્રઆરીએ મતદાન થનાર છે. સાતેય વોર્ડમાં પુરૂષ-સ્ત્રી મળી કુલ ૨૭૦૧૮ મતદાર નોંધાયા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે પરિણામો અણધાર્યા આવ્યા હતા અને આ બેઠક ઉપર આપનો ઉદય થયો હતો. જેથી વિધાનસભાના પરિણામો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ અસર કરે શકે તેવી ભાજપને ચિંતા સતાવી રહી છે. હવે બે વર્ષ બાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનારી છે, ત્યારે ભાજપે ફરી સત્તાનો તાજ પહેરવા માટે તમામ સાત વોર્ડમાં ૨૮ ઉમેદવારને ઉભા રાખ્યા છે. તો ભાજપને સત્તાથી દૂર રાખી ન.પા.માં શાસન ચલાવવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ હાથ મેળવી લીધા છે. બન્ને પક્ષે ટિકિટ ફાળવણીમાં સહમતી સાધી ૨૮ ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જેથી આ વખતની ચૂંટણી ભાજપ-કોંગ્રેસની નહીં, પરંતુ ભાજપ અને ઝાડુ-પંજાના ગઠબંધન વચ્ચે લડાશે. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી (બસપા)એ પણ નગરપાલિકામાં ખાતું ખોલાવવા ત્રણ ઉમેદવાર ઉતાર્યા છે. જ્યારે અપક્ષમાંથી એકની ઉમેદવારી નોંધાઈ છે. જેથી આગામી ૧૬મીએ ૨૭ હજારથી વધુ મતદારો ભાજપ, ગઠબંધન, બસપા અને અપક્ષના કુલ ૬૦ ઉમેદવારના ભાવિનો ફેંસલો કરી ૧૮મીએ મતગણતરીની સાથે ન.પા.ના નવા શાસકોને ચૂંટશે.