ધોળકાના પીસવાડા ગામમાં કોંગો ફીવરથી આધેડનું મોત, પશુઓથી માણસમાં ફેલાતી બીમારીથી તંત્ર ઍલર્ટ
Congo Fever Death in Dholka: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના પીસાવાડા ગામમાં પશુઓમાં ફેલાતા ક્રિમિયન-કોંગો હેમરેજિક ફીવર (CCHF) થી 50 વર્ષીય આધેડ મોત નિપજતાં આરોગ્ય તંત્ર ઍલર્ટ થયું છે. આ જીવલેણ વાઈરલના કારણે ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. સંક્રમિત પશુઓના રક્તના સંપર્કમાં આવવાથી કે તેનું માંસ ખાવાથી આ બીમારી મનુષ્યોમાં ફેલાય છે.
આરોગ્ય વિભાગની પાંચ ટીમે તપાસ હાથ ધરી
મળતી માહિતી અનુસાર, ધોળકા તાલુકાના પીસાવાડા ગામના ભરવાડ વાસમાં રહેતા 50 વર્ષીય પશુપાલક રાઘુભાઈ ભરવાડનું સીસીએફઓફ રોગના કારણે મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા આરોગ્ય વિભાગ અને તાલુકાની ટીમો તાત્કાલિક ધોરણે પીસાવાડા ગામ પહોંચી ગઈ હતી. આરોગ્ય વિભાગની પાંચ ટીમોએ ગામમાં સર્વેલન્સ હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં 168 ઘરોની મુલાકાત લઈ 900 લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે. જે ઘરમાં સીસીએફઓફનો કેસ નોંધાયો છે તેની આસપાસના 36 ઘરોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 22 જેટલા પશુઓના વાડાઓની સફાઈ અને દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે.
વહીવટી તંત્ર દ્વારા પશુઓમાં આ રોગનો ફેલાવો અટકાવવા માટે પણ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. પશુ આરોગ્ય વિભાગની ટીમે ગામના પશુઓ પર રહેલી ઈતરડીઓને દૂર કરવા માટે દવાનો છંટકાવ અને ઈન્જેક્શન આપવાનું શરૂ કર્યું છે..
કોંગો ફીવર શું છે તેના લક્ષણ ક્યારે દેખાય છે?
•આ વાઈરલ બીમારી એક ખાસ પ્રકારના જંતુ (મુખ્યત્વે ઈતરડીના કરડવા)થી એક પશુઓમાંથી બીજા પશુઓમાં ફેલાઈ છે.
•સંક્રમિત પશુઓ (ખાસ કરીને ગાય, ભેંસ, ઘેટાં અને બકરા)ના રક્તના સંપર્કમાં આવવાથી તે તેનું માંસ ખાવાથી આ બીમારી મનુષ્યોમાં ફેલાઈ છે.
•જો કોઈ ચેપગ્રસ્ત પશુને ઈતરડી કરડે અને તે જ ઈતરડી માણસને કરડે, તો આ રોગ માણસમાં ફેલાઈ શકે છે.
•જો યોગ્ય સમયે આ બીમારીની સારવાર ના કરાવવામાં આવે તો 30 ટરા દર્દીઓના મોત થાય છે.
•વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે, તેના લક્ષણ દેખાતા 6થી 13 દિવસનો સમય લાગે છે.
કયા લક્ષણ દેખાય તો અલર્ટ થઈ જવું
•આ વાઈરસથી સંક્રમિત થનારા દર્દીઓમાં તાવની સાથે માંસ પેશીઓમાં દુ:ખાવો, માથાનો દુ:ખાવો અને ચક્કર આવવા જેવા લક્ષણો દેખાય છે.
•કેટલાક દર્દીઓને સૂર્યના પ્રકાશથી તકલીફ પડે છે અને આંખમાં સોજા રહે છે.
•સંક્રમણના 2થી 4 દિવસ પછી ઊંઘ ના આવવી, ડિપ્રેશન અને પેટના દુ:ખાવાની ફરિયાદ પણ આવી ચૂકી છે.
•મોં, ગળા અને સ્કિન પર ફોલ્લીઓ થતા હાર્ટ રેટ પણ વધી શકે છે.
કોંગો ફીવર ક્યાંથી આવ્યો
કોંગો ફીવરનો પહેલો કેસ 1944માં યુરોપના ક્રીમિયામાં આવ્યો હતો, પરંતુ 1956માં આફ્રિકાના લોકોના પણ આ વાઈરસ દેખાયો, આથી આ બીમારીનું પૂરું નામ ક્રીમિયન કોંગો ફીવર રાખવામાં આવ્યું. જો કે, બોલચાલની ભાષામાં તેને કોંગો ફીવર જ કહેવામાં આવે છે. હવે આ વાઈરસ બીજા દેશોમાં પહોંચી રહ્યો છે.