Gujarat
એસટી બસમાં કન્ડક્ટરનું હૃદય રોગના હુમલાથી મોત
By GS TEAM
11 Sep 20251 min read

- ઉમરેઠના જીતપુરાથી આણંદ આવતી
- ઓડ પાસે બસ થંભાવી રિક્ષામાં લઈ જવા છતાં સારવાર મળે તે પહેલા જ મૃત્યુ
આણંદ : ઉમરેઠ તાલુકાના જીતપુરા ગામેથી આણંદ તરફ આવી રહેલી એસટી બસમાં કંડકટરને ઓડ નજીક અચાનક હૃદય રોગનો હુમલો આવતા તેઓનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે અપમૃત્યુની નોંધ નોધી હતી.
ઉમરેઠ તાલુકાના ભાલેજ નજીક આવેલા કાસોર ગામે રહેતા ખુમાનસિંહ માધવસિંહ ગોહિલ એસટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા હતા. આજે ઉમરેઠ તાલુકાના જીતપુરા ગામેથી તેઓ એસટી બસમાં મુસાફરો સાથે આણંદ તરફ આવવા નીકળ્યા હતા. દરમિયાન એસટી બસ ઓડ ગામ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે બસના કન્ડક્ટર ખુમાનસિંહ ગોહિલની હાલત અચાનક લથડતા ચાલકે એસટી બસને રોડની સાઈડમાં થંભાવી દીધી હતી. રિક્ષામાં સારવાર અર્થે ખુમાનસિંહને તુરંત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. હૃદય રોગના કારણે અચાનક તેઓનું મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.









