દુકાન ખરીદવાના નામે ઠગાઈ કેસમાં આરોપીઓને શરતી આગોતરા જામીન
55 લાખની બે દુકાનોની ખરીદીના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન થયા હતાઃઆરોપીઓએ દુકાન પર લોન લીધી હોઈ ફરિયાદીએ ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી
સુરત,તા.22 જુલાઈ 2020 બુધવાર
દુકાન ખરીદીના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન થવા ઉપરાંત વેચાણ રાખેલી મિલકત પર લોન લઈ ગુનાઈત ઠગાઈ વિશ્વાસઘાતનો કારસામાં સંડોવાયેલા બે આરોપીઓની આગોતરા જામીનની માંગને અરજન્ટ કોર્ટે શરતી મંજુરી આપતો હુકમ કર્યો છે.ફરિયાદીએ ચેક રીટર્ન તથા ઠગાઈ અંગે એક જ મુદ્દે કરેલી બે ફરિયાદોને લક્ષમાં લઈ કોર્ટે આરોપીઓને શરતી જામીન આપતો હુકમ કર્યો છે.
ફરિયાદી સી.એ. અંકુર સુરેન્દ્ર બીજાકાએ ગોપીપુરા બડેખાં ચકલા વિસ્તારમાં રહેતા આરોપી મહમદ યુનુસ મોરીસવાલા તથા ફરહીન બાનુ મોરીસવાલાને કુલ બે દુકાનો રૃ.55 લાખમાં વેચાણ દસ્તાવેજથી આપી હતી.જેના પેમેન્ટ પેટ આરોપીઓએ આપેલા 55 લાખના ચેક રીટર્ન થયા હતા.જ્યારે આરોપીઓએ વેચાણ લીધેલી મિલકત પર બેંક લોન લઈને ફરિયાદી સાથે ગુનાઈત ઠગાઈ વિશ્વાસઘાતનો કારસો રચ્યો હોઈ સલાબતપુરા પોલીસમાં ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.
જેથી સલાબતપુરા પોલીસ પોતાની ધરપકડ કે તેવી દહેશતથી આરોપી મહમદ યુનુસ તથા ફરહીનબાનુ મોરીસવાલાએ કલ્પેશ દેસાઈ તથા એઝાઝ હકીમ મારફતે આગોતરા જામીન માટે માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે જણાવ્યું હતું કે ફરિયાદીએ આરોપીઓ વિરુધ્ધ ચેક રીટર્ન અંગેની ફરિયાદ નોંધાવ્યા બાદ એક જ બનાવ સંબંધે ફોજદારી ફરિયાદ નોંધાવી છે.જેથી એક બનાવ સંબંધે બે ફરિયાદો થઈ શકે નહીં.આરોપીઓ સ્થાનિક રહીશ હોવા ઉપરાંત નાણાંકીય હિસાબી વિવાદ અંગે દસ્તાવેજી પુરાવા આધારિત કેસ છે.જેને કોર્ટે માન્ય રાખી બંને આરોપીઓને શરતોને આધીન આગોતરા જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે.