ચિલ્ડ્રન પાર્કની બદતર હાલત, નવી કચરાપેટીઓ પણ કાટ ખાવા લાગી
નડિયાદ મનપા કમ્પાઉન્ડમાં આવેલા
ચિલ્ડ્રન પાર્ક સામે આવેલા બાગ પણ ઉજ્જડ હાલતમાં શહેરની મધ્યમાં આવેલા બગીચાઓ ભંગાર બન્યાં
એક બાજુ પશ્ચિમ વિસ્તારમાં તળાવોના બ્યુટીફિકેશન, વોક વે તેમજ બાગ બગીચાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ નડિયાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બાગ બગીચાઓ ઉજ્જડ બની રહ્યા છે.
નડિયાદ મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા દ્વારા સંતરામ બેન્કના સહયોગથી ૧૯૯૩ માં ચિલ્ડ્રન પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ ચિલ્ડ્રન પાર્કની દેખરેખ જાળવણી પાછળ છેલ્લા ઘણા વર્ષોથી દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. આ ચિલ્ડ્રન પાર્ક ગંદકી કચરાથી ખદબદી રહ્યો છે. એટલું જ નહીં છેલ્લા એક વર્ષ ઉપરાંતથી હજારો રૂપિયાના ખર્ચે વસાવવામાં આવ્યો નવી કચરાપેટીઓનો પણ ઉપયોગ થઇ રહયો નથી. મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં જ ચિલ્ડ્રન તેમજ બાગની ભંગાર હાલત ઉભી થઇ છે.
હાલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે બાળકો આનંદ પ્રમોદ માણી શકે તે માટે વ્યવસ્થા કરવા નગરજનો ઇચ્છી રહયા છે.