PM મોદીએ ગુજરાતના CM તરીકે શરુ કરાયેલા સ્વાગત કાર્યક્રમના બે દાયકા પૂર્ણ, રાજ્યમાં સ્વાગત સપ્તાહની ઉજવણી થશે
ગુજરાતમાં સ્વાગત કાર્યક્રમની શરુઆત 24મી એપ્રિલના 2003ના રોજ કરવામાં આવી હતી
રાજ્યમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે
પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રજાજનોની ફરિયાદોના નિરાકરણ માટે રાજ્યમાં સ્વાગતની શરુઆત 24મી એપ્રિલના 2003ના રોજ કરી હતી. આ સ્વાગત કાર્યક્રમને આગામી 24મી તારીખે 20 વર્ષ પૂર્ણ થતો હોય તે અવસરે રાજ્યમાં સ્વાગત સપ્તાહ તરીકે ઉજવણી થશે.
પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યની સરકારી કચેરીઓમાં ઇન્ફરમેશન ટેક્નોલોજી ઇ-ગવર્નન્સના માધ્યમથી પ્રજાજનોની ફરિયાદોના નિરાકરણ માટે રાજ્યમાં સ્વાગતની શરુઆત 24મી એપ્રિલના 2003ના રોજ કરી હતી. આ સ્વાગત કાર્યક્રમને આગામી 24મી એપ્રિલે 20 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં એપ્રિલ મહિનાનું અંતિમ અઠિવાડિયું સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે.
દેશભરના પ્રથમ અભિનવ પ્રયોગ સ્વાગતના સફળ બે દાયકા પૂર્ણ થતા 24મી એપ્રિલે 21માં વર્ષમાં પ્રવેશ કરશે. આ સ્વાગત સપ્તાહની ઉજવણીના ભાગરુપે મુખ્ય સચિવએ રાજ્યના તમામ જિલ્લા વહીવટી તંત્ર સાથે વિડીયો કોન્ફરન્સ યોજી તાલુકા અને જિલ્લામાં સ્વાગતના આયોજનને આખરી ઓપ આપ્યો હતો. આ સ્વાગત સપ્તાહમાં ગ્રામ સ્વાગત માટેના પ્રશ્નો સ્વીકારવા તારીખ 17મીના રોજ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત તારીખ 24 અને 26મી એપ્રિલે તાલુકા સ્વાગત જ્યારે 27મીએ જિલ્લા સ્વાગત તેમજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે.