બજેટ માટેના સૂચનોએ જ ખોલી AMC પોલ, 69% સૂચનોમાં હજુ પણ રોડ, પાણી અને સફાઈની ફરિયાદો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દર વર્ષની જેમ આગામી વર્ષ 2026-27ના અંદાજપત્ર માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. AMC દ્વારા શહેરના વિકાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચવાના અને અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાનો દાવો કરવામાં આવે છે, છતાં નાગરિકોના સૂચનોનું વિશ્લેષણ સ્પષ્ટપણે દર્શાવે છે કે, શહેરીજનો હજુ પણ પ્રાથમિક અને ફરજિયાત સુવિધાઓના અભાવથી ભારે અસંતુષ્ટ છે.
AMCને વિવિધ માધ્યમો દ્વારા કુલ 2,607 સૂચનો પ્રાપ્ત થયા છે, જેમાં 798 ઈમેલ મારફતે મળેલા સૂચનોનો સમાવેશ થાય છે. આ આંકડાઓ પાછળ છુપાયેલી હકીકત તંત્રની કામગીરીની પોલ ખોલે છે.
ફરજિયાત સેવાઓ પર સૌથી વધુ અસંતોષ: તંત્રની પ્રાથમિકતા પર સવાલ
નાગરિકોએ ટેક્સ પેટે નાણાં ભર્યા હોવા છતાં, તેમને પાયાની અને દૈનિક જીવનને અસર કરતી સુવિધાઓ પૂરતી મળી રહી નથી, તેવું આ આંકડાઓ સૂચવે છે. કુલ સૂચનોમાંથી મોટાભાગના એટલે કે 68.85% સૂચનો (1,795 સૂચનો) ફરજિયાત સેવાઓ અંગે મળ્યા છે. આ દર્શાવે છે કે, સ્માર્ટ સિટીના ઝગમગાટ પાછળ, નાગરિકો આજે પણ રોડ, પાણી અને સફાઈ જેવી પાયાની જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે.
| ફરજિયાત સેવાઓ અને સૂચનો | સૂચનોની સંખ્યા | કુલ સૂચનોની ટકાવારી |
| રોડ/ફૂટપાથ | 487 | 18% |
| ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર ડ્રેઇન | 327 | 12.54% |
| પાણી સપ્લાય | 297 | 11.39% |
| લાઇટ / EE Cell | 280 | 10.74% |
| હેલ્થ એન્ડ ક્લીનિંગ / SWM | 110 | 4.22% |
ખાસ કરીને, રોડ/ફૂટપાથ અંગેના 487 સૂચનો અને ડ્રેનેજ/સ્ટોર્મ વોટર ડ્રેઇનના 327 સૂચનો છે. જે કુલ સૂચનોનો મોટો ભાગ છે, જે એ વાતનો પુરાવો છે કે, ચોમાસું પૂરું થયા બાદ પણ શહેરના હાલ હજુ પણ બેહાલ છે.
વિકાસના દાવા વચ્ચે ગાર્ડન અને ટ્રાન્સપોર્ટેશનની અવગણના!
બિન-ફરજિયાત સેવાઓ માટે પણ નાગરિકો તરફથી 788 (30.23%) સૂચનો મળ્યા છે, જે શહેરના સૌંદર્યીકરણ અને જનસુવિધામાં સુધારાની માગ દર્શાવે છે.
ગાર્ડન, પાર્ક અને વૃક્ષારોપણ: 133 સૂચનો (5.10%)
ICDS પ્રોજેક્ટ્સ: 133 સૂચનો (5.10%)
ટ્રાન્સપોર્ટેશન (AMTS-AJL): 80 સૂચનો (3.07%)
આ ઉપરાંત, AMCની આવક/રેવન્યુ જનરેશન માટે માત્ર 16 (0.61%) સૂચનો અને સેવાઓની ગુણવત્તા સુધારવા માટે માત્ર 8 (0.31%) સૂચનો મળ્યા છે, જે દર્શાવે છે કે નાગરિકોની મુખ્ય ચિંતા સુવિધાના અભાવની છે, નહીં કે નવા પ્રોજેક્ટ્સ કે આવકના સ્ત્રોતની.
પ્રજાનો સવાલ: શું આ સૂચનો માત્ર કાગળ પર જ રહેશે?
સ્થાનિક નાગરિકો અને નિષ્ણાતોમાં છેલ્લા ઘણા સમયથી એક સામાન્ય લાગણી પ્રવર્તી રહી છે કે, AMC દ્વારા દર વર્ષે સૂચનો તો મંગાવવામાં આવે છે, પરંતુ તેનો યોગ્ય અને અસરકારક અમલ થતો નથી. નાગરિકો ટેક્સ ભરે છે, સૂચનો આપે છે, પણ જ્યારે પાયાની સુવિધાઓમાં સુધારો થતો નથી ત્યારે લોકોનો વિશ્વાસ તંત્ર પરથી ઉઠી જાય છે.
આ પણ વાંચો: જામનગરમાં અંબર ચોકડી નજીક નવા ફલાય ઓવર બ્રિજની નીચે ઝૂંપડાવાસીઓનો ફરીથી અડીંગો
AMCએ નાગરિકોની સક્રિય ભાગીદારીને વખાણી છે અને શહેરને સ્વચ્છ અને સ્માર્ટ બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, પરંતુ આ આંકડાઓ એ માગ કરે છે કે તંત્ર માત્ર વચનો નહીં, પણ નક્કર કાર્યવાહી કરે. વર્ષ 2026-27ના બજેટમાં આ 1,795 ફરજિયાત સેવાઓ સંબંધિત ફરિયાદોને કેવી રીતે અને કેટલા અંશે દૂર કરવામાં આવે છે, તે જોવું રહ્યું.









