બામણવા માયનોર કેનાલના રિપેરિંગમાં હલકી ગુણવત્તાની ફરિયાદો

- ધારાધોરણ મુજબ કામગીરી કરવા માંગ
- હલકી ગુણવત્તાના કામથી કેનાલ થોડા જ મહિનાઓમાં તૂટી જવાની ખેડૂતોમાં ભીતિ
પાટડી : દસાડા તાલુકામાં નર્મદા કેનાલમાં પાણી ન છોડવા બદલ ખેડૂતોની રજૂઆત બાદ તંત્ર દ્વારા અમુક કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે અને રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાનો અને ખેડૂતોએ પાટડી અને વિરમગામ નર્મદા ઓફિસ ખાતે વહેલી તકે પાણી છોડવા અને રિપેરિંગ કામ કરવા અંગે રજૂઆત કરી હતી. જેના પગલે દસાડાના બામણવા અને પાટડી સીમ વિસ્તારમાંથી પસાર થતી માઇનોર કેનાલ નંબર-૦૫નું હાલ રિપેરિંગ કામ ચાલી રહ્યું છે, પરંતુ આ કામગીરી હલકી ગુણવત્તાવાળી અને તકલાદી થતી હોવાની ખેડૂતોમાં વ્યાપક ફરિયાદો ઉઠી છે. આરસીસી મટીરીયલની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતી હોવાથી, રિપેર કરેલી કેનાલ થોડા જ મહિનાઓમાં તૂટી જવાની ફરિયાદો વારંવાર ઉઠી છે. આથી, ખેડૂતો દ્વારા કેનાલના રિપેરિંગની કામગીરી ધારા ધોરણ મુજબ અને યોગ્ય રીતે કરવામાં આવે તેવી સખત માંગ ઉઠી છે.

