સ્વચ્છતા સર્વેક્ષણની દોડમાં અગ્રેસર સુરતમાં પે એન્ડ યુઝમાં ઉઘાડી લૂંટની ફરિયાદ
Surat Corporation : સુરત પાલિકા વિસ્તારમાં બનેલા પે એન્ડ યુઝ ટોઈલેટમાં પાલિકાએ નક્કી કરેલા દરો કરતાં વધુ પૈસા વસુલવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદ થઈ રહી છે. પાલિકાએ એક રૂપિયા જેટલો મહત્તમ દર નક્કી કર્યો હોવા છતાં લોકો પાસે પાંચ અને દસ રૂપિયા વસૂલી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદ થઈ રહી છે. આ અંગેની ફરિયાદ શાસકો અને અધિકારીઓને ફરિયાદ કરી હોવા છતાં કોઈ કામગીરી ન હોવાથી લોકોએ વધુ પૈસા આપવા પડી રહ્યાં છે.
સુરત પાલિકા હાલમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રેસર દોડી રહી છે સુરત જાહેરમાં શૌચક્રિયા મુક્ત શહેર બની ગયું છે પરંતુ હવે પાલિકાની બેદરકારી ના કારણે કેટલાક લોકો જાહેરમાં શૌચક્રિયા કરવા માટે મજબુર બની રહ્યા છે. આનું કારણ એ છે કે પાલિકાએ શહેરમાં અનેક જગ્યાએ જાહેરમાં શૌચક્રિયા અટકાવવા માટે પે એન્ડ યુઝ ટોયલેટ બનાવ્યા છે તેનું સંચાલન વિવિધ સંસ્થાઓને સોંપી દેવામાં આવ્યું છે. આ માટે પાલિકાએ મહત્તમ એક રૂપિયાનો દર નક્કી કર્યો છે. પરંતુ પાલિકાના આ શૌચાલયમાં પાંચ અને દસ રૂપિયાની વસુલાત કરવામાં આવી રહી હોવાની અનેક ફરિયાદ છે.
ગોપીપુરામાં રહેતા એક નાગરિકે પુરાવા સાથે પાલિકાના અધિકારીઓ, આરોગ્ય સમિતિ અધ્યક્ષ અને શાસકોને ફરિયાદ કરી છે. તેમાં જણાવ્યું છે કે, પે એન્ડ યુઝ ટોયલેટ પર પાલિકા દ્વારા નક્કી કરવામા આવેલા દરો અંગે કોઈ બોર્ડ લગાવવામાં આવ્યા નથી તેથી સંચાલકો મન ફાવે તેમ પૈસાની વસુલાત કરી રહ્યાં છે. સંચાલકો આડેધડ પૈસા વસુલતા હોવાથી કેટલાક લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરી રહ્યાં છે. આ ઉપરાંત મહિલા અને બાળકો પાસે કોઈ ચાર્જ વસુલ કરવાનો નથી તેમ છતાં તેમની પાસે પણ અનેક જગ્યાએ ચાર્જ વસુલ કરવામાં આવી રહ્યો છે. આવી લેખિત ફરિયાદ બાદ પણ પાલિકા તંત્ર દ્વારા કોઈ પગલાં નહીં ભરાતા લોકો જાહેરમાં શૌચક્રિયા કરી રહ્યા હોય શહેરની સફાઈ સામે પણ પ્રશ્નો ઉભા થયા છે.