સુરત પાલિકામાં નિવૃત્તિ બાદ પેન્શન સહિતની ફાઇલો તૈયાર કરવામાં ગરબડની ફરિયાદ
Surat Corporation : સુરત પાલિકામાં વર્ષો સુધી કામગીરી કર્યા બાદ નિવૃત્ત થયેલા કર્મચારીઓએ પોતે જે વિભાગ-ઝોનમાં લાંબો સમય કામગીરી કરી હોય તેમાં નિવૃતિ બાદના લાભ અને પેન્શનની ફાઈલ માટે ધક્કા ખાવા પડતા હોવા ઉપરાંત આવી ફાઈલ તૈયાર કરવામાં ગરબડ થતી હોવાની ફરિયાદ થઈ હતી. આ ગંભીર ફરિયાદ બાદ વિભાગીય વડાએ એક બેઠક બોલાવીને કર્મચારીઓને પેન્શન અને નિવૃત્તિ લાભોની ફાઈલ તૈયાર કરવામાં વ્હાલા દવલા નીતિ બંધ કરવા માટે તાકીદ કરી દીધી હતી. જેના કારણે કર્મચારીઓમાં સોંપો પડી ગયો હતો.
સુરત પાલિકામાં મહેકમ વિભાગના વડા તરીકે રાજ્ય સરકારમાંથી આવેલા ડેપ્યુટી કમિશનર નિધિ સિવાય કામગીરી કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક વખતથી તેઓ કર્મચારીઓના પડતર પ્રશ્નો માટે કામગીરી કરી રહ્યાં છે અને કેટલાક પ્રશ્નો હલ કરવામાં સફળતા પણ મળી છે. તેમની આ કામગીરી દરમિયાન નિવૃત્ત કર્મચારીઓને નિવૃતિ બાદના લાભ અને પેન્શન માટેની ફાઈલ માટે ધક્કા ખાવા પડતા હોવાની ફરિયાદ મળી હતી. આ ઉપરાંત આ કામગીરીમાં વ્હાલા દવલાની નીતિ અપનાવાતી હોવાથી નાના કર્મચારીઓને અન્યાય થઈ રહ્યો હોવાની પણ ફરિયાદ થઈ હતી.
દરમિયાન મહેકમ વિભાગના વડાએ તમામ ઝોન, વિભાગોના પર્સોનલ અધિકારીઓની બેઠક યોજી હતી અને ચાલી રહેલી કામગીરી બાબતે સ્પષ્ટ નારાજગી દર્શાવી હતી. પાલિકાના કર્મચારી, અધિકારી નિવૃત્ત થવાના હોય તેના એક માસ પૂર્વેથી પેન્શન અંગેની ફાઇલો તૈયાર કરવાની કામગીરી વિધિવત સામાન્ય રીતે શરૂ થઈ જતી હોય છે. પરંતુ ઘણી વખત આવી ફાઈલ તૈયાર કરવામાં ગરબડ થતી હોવાની ફરિયાદ પણ બહાર આવે છે. આવી અનેક ફરિયાદ બાદ બેઠકમાં વિભાગીય વડાએ કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓને સ્પષ્ટ રીતે પેન્શન અને નિવૃત્તિ લાભોની ફાઈલ તૈયાર કરવામાં વ્હાલા દવલા નીતિ બંધ કરવા સૂચના આપી હોવાની વાત બહાર આવી છે. આ સાથે આવા પ્રકારની ફાઈલનો ઝડપી નિકાલ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.