- આણંદ જિલ્લામાં વિવિધ ગુનાખોરીની ઘટનાઓ
- મુદ્દામાલ સાથે ઝડપાયેલા શખ્સો અને ફરાર શખ્સો સામે ગુનો નોંધીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
આણંદ : આણંદ જિલ્લામાં પોલીસ દ્વારા વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. બોરસદ અને ખંભાતમાં જમીન તેમજ સરકારી સહાય બાબતે છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ છે, જ્યારે ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ વિરુદ્ધ પણ પોલીસ એક્શનમાં જોવા મળી છે.
ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મીરસાબમીયા સૈયદ (રહે. ખંભાત, પાંચ હાટડી, તા. ખંભાત) નામના શખ્સે વર્ષ ૨૦૧૯માં સરકારી કૃષિ સહાય મેળવવા માટે પોતાની મૃત બહેનના નામે ખોટા અંગૂઠાના નિશાન અને ફરિયાદી સીકંદરઅલી બાકરઅલી સૈયદની ખોટી સહી કરી રૂ. ૧૩,૬૦૦ની સરકારી કૃષિ સહાય મેળવી ગુનો કર્યો હતો. જે મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, બાકરોલ વિસ્તારમાં એલ.સી.બી. પોલીસે દરોડો પાડી પેટલાદના મોહમંદ જુનેદ શેખ (ઉં.વ.૨૬. રહે. પેટલાદ)ને ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડયો હતો, જ્યારે અન્ય આરોપીઓ વસીમોદ્દીન ઉર્ફે મોન્ટી મુસ્તકીમોદ્દીન શેખ (રહે. પેટલાદ) અને સારીકમહમંદ ઉર્ફે ભુરાભાઈ હુશેનમીયાં શેખ (રહે.પેટલાદ) ફરાર હોવાથી પોલીસે તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
મહેળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, બામરોલી જાંબુડીયા વિસ્તારમાં પોલીસે રાહુલભાઈ પરમારને એક્ટિવા પર ૨૦ નંગ ચાઈનીઝ ફિરકીઓ (કિંમત ૬,૦૦૦) સાથે ઝડપી પાડયો હતો. જે મામલે પોલીસે રાહુલભાઈ હર્ષદભાઈ પરમાર (રહે. બામરોલી તાબે મહુડીયાપુરા વેરા તલાવડી, તા. પેટલાદ,) સહિત સહ આરોપી ધર્મેશભાઈ ગોતાભાઈ પરમાર, હિતેશભાઈ શનાભાઈ પરમાંર અને સંજ્યભાઈ ભલાભાઈ પરમાર (ત્રણેય રહે. મહુડીયાપુરા, તા.પેટલાદ. જિ. આણંદ) સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
તેમજ તારાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, તારાપુરના જલ્લા ટેકરા ફળીયામાં અગાઉના કેસની અદાવત રાખી ઓવેશમીયા ઉર્ફે ટકો અનવરમીયા મલેક (રહે. જલ્લા, તા. તારાપુર) નામના શખ્સે ૭૬ વર્ષીય વૃદ્ધ નબીમીયા મલેકને અપશબ્દો બોલી, થપ્પડો મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે તારાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ખંભાત શહેરના રાજા કોમ્પ્લેક્સમાં આવેલા અલંકાર ગેસ્ટ હાઉસમાં મુસાફરોની ઓનલાઇન એન્ટ્રી 'પથિક' સોફ્ટવેરમાં ન કરી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હતો. જે મામલે ખંભાત સિટી પોલીસે મહેન્દ્રભાઇ અંબાલાલ પરમાર (ઉં.વ. ૪૬, રહે. ખંભાત મિલની ચાલી, તા. ખંભાત) સામે કાર્યવાહી હાથ ધરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


