પરિણીતાની છેડતી કરી પતિને ખુલ્લી ધમકી તારી પત્નીને ગમે ત્યારે ઉઠાવી જઈશ
Vadodara : વડોદરાના એક ગામમાં રહેતી 23 વર્ષની પરણીતા દોઢ માસ પહેલા ગામના તળાવ પાસે ગઈ હતી. ત્યારે અભોર ગામમાં રહેતા ગિરીશ કાળીદાસ માળીએ પાછળથી આવી પરિણીતાનું મોઢું દબાવી પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું હતું. અને જો વાત ના કરે તો સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી.
ત્યારબાદ પરિણીતા ઘરનો સામાન લેવા માટે બહાર બજારમાં નીકળે ત્યારે પણ તેનો પીછો કરી હેરાન પરેશાન કરતો હતો. અભદ્ર ઈશારાઓ કરી હેરાન કરતા આખરે પરિણીતાએ તેના પતિ અને સાસુ સસરાને વાત કરી હતી જેથી ગઈકાલે બપોરે પરિણીતા તેના પતિ અને સાસુ સસરા સાથે ગિરીશ માળીના ઘરે કહેવા ગઈ હતી. આ દરમિયાન ગીરીશે પરિણીતાના પતિને ખુલ્લી ધમકી આપી હતી કે હું તારી પત્નીને ગમે ત્યારે ઉઠાવી જઈશ.. જો તું કંઈ બોલીશ તો તારા ટાંટીયા ભાગી નાખીશ તને પૂરો કરી દઈશ... ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.