Get The App

પાદરાની કંપનીએ કર્મચારીઓના પીએફના 85.22 લાખ કાપ્યા બાદ જમા ન કરતા ફરિયાદ

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
પાદરાની કંપનીએ કર્મચારીઓના પીએફના 85.22 લાખ કાપ્યા બાદ જમા ન કરતા ફરિયાદ 1 - image


- શિવ એન્ટરપ્રાઇઝના માલિક સામે વિશ્વાસઘાતનો ગુનો 

- કર્મચારીઓએ આંકલાવ પોલીસને અરજી કરતા પીએફ કચેરીના અધિકારીએ પગાર, બિલો સહિતની તપાસ કરી ગુનો નોંધાવ્યો 

આણંદ : વડોદરાના પાદરાની એક કંપનીના માલિકે કર્મચારીઓના પગારમાંથી રૂપિયા ૮૫.૨૨ લાખનું પીએફ કાપી નાખ્યું હતું. બાદમાં પીએફ ખાતામાં જમા નહીં કરાવી કર્મચારીઓ સાથે વિશ્વાસઘાત કર્યો હોવા અંગે આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

આંકલાવના નારપુરા સીમ વિસ્તારમાં આવેલી તેલ તળાવ પ્રાથમિક શાળા નજીક રહેતા અરવિંદભાઈ મણીભાઈ ચાવડા શિવ એન્ટરપ્રાઇઝના માલિક છે અને આંકલાવ ખાતે તેમની ઓફિસ આવેલી છે તેઓ પાદરા ખાતે અમોલી ઓર્ગેનિક કંપની પણ ચલાવે છે. કંપનીના કર્મચારીઓએ આંકલાવ પોલીસ મથકમાં અરજી કરી હતી અને શિવ એન્ટરપ્રાઇઝના માલિક અરવિંદભાઈ ચાવડાએ કર્મચારીઓના પગારમાંથી પીએફ કાપીને ખાતામાં જમા કરાવ્યું ન હોવાનું અરજીમાં જણાવ્યું હતું. પોલીસે આ અરજીની તપાસ નડિયાદ સ્થિત પીએફ કચેરીને મોકલી આપી હતી જેમાં કચેરીના ઓફિસર રૂપાંગીબેન રાવલે અરજદારનો સંપર્ક કરી તમામ વિગતો મેળવી હતી અને ત્યારબાદ કંપનીના એચ. આર. પાસેથી પગાર બિલ સહિતની વિગતો મંગાવી તપાસ કરતાં શિવ એન્ટરપ્રાઇઝની પાદરા સ્થિત અમોલી ઓર્ગેનિક કંપનીમાં કામ કરતા કામદારોનું આઠ મહિનાનું પીએફ ૮૫.૨૨ લાખ કાપવામાં આવ્યું હતું. જોકે આ પી એફ ની રકમ કામદારોના ખાતામાં જમા કરાવવામાં આવી ન હોતી જેથી રૂપાંગીબેન રાવલે આંકલાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શિવ એન્ટરપ્રાઇઝના માલિક અરવિંદભાઈ મણીભાઈ ચાવડા વિરુદ્ધ વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :