વડોદરા,૧૦ વર્ષમાં ૧૦૧ ગુનાઓ કરી ભયનું વાતાવરણ ઊભું કરતી ગેંગ સામે વડોદરા પોલીસે આ વર્ષનો પહેલો ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. આરોપીઓએ વડોદરા જ નહીં પરંતુ, સમગ્ર રાજ્યમાં ગુનાઓ કર્યા છે.
વડોદરાના આસપાસના તેમજ રાજ્યના અલગ - અલગ જિલ્લાઓમાં રાત્રિના સમયે ઘરફોડ તેમજ વાહન ચોરીના ગુનાઓ કેટલીક ટોળકીઓ કરતી હોવાની વિગતો શહેર પોલીસના ધ્યાને આવી હતી.આ ગુનાઓ કરતા આરોપીઓની યાદી તૈયાર કરી તેઓના ગુનાઇત રેકર્ડની ચકાસણી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન કુલ આઠ આરોપીઓએ ટોળકી બનાવી ગુનાઓ આચરતા હોવાની વિગતો સપાટી પર આવી હતી. આ ટોળકી રાજ્યના અલગ - અલગ જિલ્લાઓમાં ઘણા સમયથી ગુનાઓ કરતી હતી. આરોપીઓ વિરૃદ્ધ પાસા અને તડિપારની કાર્યવાહી કરવામાં આવી હતી.તેમછતાં ગુનાઓ આચરતા હતા. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર અજયસીંગ દર્શનસીંગ દુધાણી ( સિકલીગર) છે. આ ટોળકી દ્વારા ઘરફોડ ચોરી,ચોરી, શરીર સંબંધી ૧૦૧ ગુનાઓ છેલ્લા ૧૦ વર્ષમાં કરવામાં આવ્યા હતા. જ્યારે તેમના ગુનાઓની સંખ્યા જોતા તમામ આરોપીઓએ અલગ - અલગ રીતે અને સંયુક્ત રીતે કુલ ૧૫૨ગુનાઓ કર્યા છે. તેઓ સામે પાસા અને તડિપારની કાર્યવાહી ૨૨ વખત થઇ છે. ગુનામાં પકડાયા પછી જામીન પર છૂટતા સમયે કોર્ટ દ્વારા શરતો મૂકવામાં આવી હતી કે, ફરીથી આવા ગુનાઓ કરવા નહીં તેમજ ગુનાઇત પ્રવૃત્તિ કરતી ટોળકીમાં ભાગ લેવો નહીં. તેમછતાંય તેઓએ ગુનાઇત પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. જેથી, ડીસીબી પોલીસે આ ગેંગ વિરૃદ્ધ ગુજસીટોક હેઠળ ફરિયાદ આપતા મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ ગુનાની તપાસ એ.સી.પી. એ.પી.રાઠવાને સોંપવામાં આવી છે.
ગેંગમાં ચાર સગા ભાઇઓ અને એક પિતરાઇ ભાઇ સહિત આઠ આરોપીઓ
વડોદરા,
આ અંગે ડીસીબી પી.આઇ. આર.જી. જાડેજાએ જણાવ્યું હતું કે, અજય દુધાણી ગેંગમાં સામેલ આરોપીઓ પૈકી અજયસીંગ, અર્જુનસીંગ, સન્નીસીંગ અને કરણસીંગ સગા ભાઇઓ છે. જ્યારે જશપાલસીંગ અજયસીંગનો પિતરાઇ ભાઇ છે.શમશેરસીંગ તેઓનો કૌટુંબિક સગો છે. જ્યારે આરોપી પ્રકાશ અને શંકર સિકલીગર આરોપીઓની ઘરની નજીક રહે છે.
આઠ આરોપીઓ પૈકી પાંચ આરોપીની ધરપકડ : એક જેલમાં
ક્રમ આરોપીનું નામ કુલ ગુના પાસા અને તડિપાર હાલ ક્યાં છે
(૧) અજયસીંગ દર્શનસીંગ દુધાણી ૪૨ ૬ ગોધરા જેલ
(૨) જશપાલસીંગ દર્શનસીંગ દુધાણી ૨૯ ૩ ધરપકડ બાકી
(૩) અર્જુનસીંગ દર્શનસીંગ દુધાણી ૧૨ ૧ ધરપકડ
(૪) શમસેરસીંગ માનસીંગ સિકલીગર ૨૮ ૪ ધરપકડ બાકી
(૫) પ્રકાશ વિજયભાઇ રાજપૂત ૧૭ ૪ ધરપકડ
(૬) સન્નીસીગ દર્શનસીંગ દુધાણી ૮ ૧ ધરપકડ
(૭) કરણસીંગ દર્શનસીંગ દુધાણી ૭ ૧ ધરપકડ
(૮) શંકર સોનુભાઇ મારવાડી ૯ ૨ ધરપકડ


