કાયદા ક્લિનીકના નામે સોશિયલ મીડીયામાં ભ્રમ ફેલાવનારા તત્વો સામે C.Pને ફરિયાદ
કાયદાના સ્નાતક કે બાર કાઉન્સિલના સભ્યો ન હોવા છતા ભ્રામકતા ફેલાવનાર સામે ગુનો દાખલ કરાવવા વકીલ મંડળનો નિર્ણય
સુરત,તા.23 જુલાઈ 2020 શુક્રવાર
સોશ્યલ મીડીયા પર કાયદાના સ્નાતક કે બાર કાઉન્સિલના સભ્ય ન હોવા છતાં કાયદા કિલનીકના નામે લોકોના ફરિયાદો હલ કરવાની ભ્રામકતા ફેલાવનાર તત્વો વિરુધ્ધ આજે સુરત જિલ્લા વકીલ મંડળની કારોબારી બેઠકમાં નિર્ણય લઈને કાયદા ક્લિનીકના કારભારીઓ વિરુધ્ધ ગુનાઈત વિશ્વાસઘાત ઠગાઈ અંગે સુરત શહેર પોલીસ કમિશ્નરને ફરિયાદ કરવામાં આવી છે.
અડાજણ તથા સરથાણા જકાતનાકા એમ બે સ્થળોએ કાયદા ક્લિનીકના નામે ઓફીસ ખોલી સોશ્યલ મીડીયામાં ભ્રામકતા ફેલાવવામાં આવતી હતી. જે અંગે સુરત જિલ્લા વકીલ મંડળના સભ્ય ચૈતન્ય પરમહંસે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તથા વકીલ મંડળને કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. જેના અનુસંધાને આજે મળેલી સુરત જિલ્લા વકીલ મંડળ કારોબારીની બેઠકમાં હોદ્દેદારો સહિત અગ્રણી વકીલોએ ચર્ચા વિચારણા કરી હતી. અને કાયદા ક્લિનીકના કર્તાહર્તા સંજય ઈઝાવા, હિતેશ જાસોલીયા,ગોપાલ ઈટાલીયા તથા અન્યો સામે ગુનાઇત વિશ્વાસઘાત અંગે પોલીસ કમિશ્નરને ફરિયાદ કરાઇ છે.
ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપીઓ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયાના નિયમ મુજબ નોંધાયેલા વકીલ કે કાયદાના સ્નાતક નથી. તેમ છતાં ગેરકાયદે આર્થિક લાભ મેળવવાના ઈરાદે કાયદા ક્લિનીકના નામે ભ્રામકતા ઉભી કરીને લોકોના વિવિધ પ્રશ્નોનાના નિરાકરણ બીજા કાનુની સંસ્થાની તુલનાએ વાજબી ભાવે કરવાની જાહેરાત સોશ્યલ મીડીયામાં કરે છે. જેમાં પેમેન્ટનો ચેક બાઉન્સ થવા, રીકવરી ન આવવી કે એટીએેમ ફ્રોડ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરવા ઈચ્છનારને સંપર્ક સાધવા કહેવાય રહ્યું છે.
સરકારી સંસ્થામાં અટકેલા કામો અંગે પણ સલાહની ઓફર !
સરકારી સંસ્થામાં અટકેલા કામો, ઓનલાઇન શોપીંગમાં ફ્રોડ અંગે કાનૂની અભિપ્રાય પણ વ્યાજબી ભાવે
આપવાની જાહેરાત આરોપીઓએ કરી છે. જે એડવોકેટ એક્ટના એથીક્સની વિરુધ્ધ છે. સનદ મેળવી
હોવા છતા આવી ભ્રામક સંસ્થાનો ઠગાઇના કારસાનો ઇરાદો સ્પષ્ટ જણાય છે તેથી તેમની સામે
સત્વરે ગુનો દાખલ કરવો જરુરી છે.