માતરના સાયલાના સરપંચની પરિણીતા પાસે બીભત્સ્ય માંગણી કર્યાની ફરિયાદ

- ખેતરમાં ચારો લેવા ગઈ ત્યારે પરેશાન કરી
- પુત્રવધૂને હેરાન કરવા બાબતે ઠપકો આપતા સસરાને સરપંચે લાફા, ગડદાપાટુનો માર માર્યો
માતર તાલુકાના સાયલા ગામમાં રહેતી ૨૨ વર્ષીય પરિણીતા આજે સવારે ૯ વાગ્યાના સુમારે તળાવની પાળ ઉપર ચાર લેતી હતી. ત્યારે તેને જોઈને તળાવ પર જઈ સરપંચ અરવિંદભાઈ ભરવાડે પરિણીતા સાથે બીભત્સ્ય માંગણી કરતા તેણીએ તેના ઉપર ધ્યાન ન આપી ઘરે જતી રહી હતી.
અગાઉ બે દિવસ પહેલા તેણી ખેતરમાં ચાર લેવા ગઈ હતી. ત્યારે અરવિંદભાઈ ભરવાડે પરિણીતા પાસે અઘટીત માંગણી કરી હતી. આ બાબતે તેણીએ સસરાને સમગ્ર હકીકત જણાવી હતી. દરમિયાન સરપંચ ઘર આગળથી જતા હતા. ત્યારે પરિણીતાના સસરાએ સરપંચ અરવિંદભાઈ ભરવાડને તું મારી પુત્રવધૂને કેમ હેરાન કરે છે તેમ કહેતા સરપંચે અપશબ્દો બોલી આધેડને મુકકા તેમજ લાફા મારી ગડદાપાટુનો માર માર્યો હતો.
બુમાબુમ થતા આજુબાજુના લોકો છોડાવવા દોડી આવતા અરવિંદભાઈ ભરવાડ નાસી ગયો હતો. આ બનાવ અંગે પરિણીતાની ફરિયાદના આધારે લીંબાસી પોલીસે અરવિંદ ઉર્ફે અરુ ડાયાભાઈ ભરવાડ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.









