Get The App

મુળી તાલુકામાં ગેરકાયદે સફેદ માટીનું ખનન થતું હોવાની ફરીયાદ

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
મુળી તાલુકામાં ગેરકાયદે સફેદ માટીનું ખનન થતું હોવાની ફરીયાદ 1 - image

- ધોળા દિવસે ડમ્પરોમાં માટીનું વહન છતા તંત્રનું મૌન

- ગ્રામજનો દ્વારા લેખિત ફરિયાદ કરવા છતાં તંત્ર માત્ર કાગળ પર કાર્યવાહી કરી ભૂમાફિયાઓને છાવરતી હોવાનો આક્ષેપ

ધ્રાંગધ્રા : મુળી તાલુકાના સીમ વિસ્તારો, તળાવો તેમજ પ્રતિબંધિત જંગલ વિસ્તારોમાં ઠેરઠેર ગેરકાયદેસર રીતે સફેદ માટીનું ખનન થઈ રહ્યું હોવાની રાવ ઉઠી છે. તળાવ અને સીમ વિસ્તારોમાંથી સફેદ માટી કાઢયા બાદ હવે ભૂમાફિયાઓ જંગલ વિસ્તારો તરફ વળ્યા હોવાનું સામે આવ્યું છે અને પ્રતિબંધિત વિસ્તારોમાંથી પણ સફેદ માટી કાઢવાની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ છે. 

ખનન માટે ઉપયોગમાં લેવાતા હિટાચી મશીનોને વાડી વિસ્તારોમાં છુપાવી રાખવામાં આવતા હોવાની વિગતો પણ સામે આવી છે. મૂળી પંથકના કળમાદ, લીયા, સડલા, દુધઈ, ગઢડા, ખંભાળિયા, સરા તથા આંબરડી સહિતના ગામોમાં ગેરકાયદે સફેદ માટીનું ખનન યથાવત જોવા મળે છે. છતાં ભૂમાફિયાઓ સામે સ્થાનિક તંત્ર કે જિલ્લા ખાણ-ખનિજ વિભાગ દ્વારા અસરકારક કાર્યવાહી થતી નહીં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગ્રામજનોએ અનેક વખત મૌખિક તથા લેખિત ફરિયાદો કરી છતાં તંત્ર દ્વારા માત્ર કાગળ પર કાર્યવાહી કરી ભૂમાફિયાઓને છાવરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક મામલતદાર, પ્રાંત અધિકારી અને જિલ્લા ખાણ-ખનિજ વિભાગ ફરિયાદો બાદ માત્ર દેખાવ પૂરતી સ્થળ મુલાકાત લે છે, પરંતુ ત્યાં સુધીમાં ભૂમાફિયાઓ પોતાના વાહનો સાથે નાશી જતા હોવાનું કહેવામાં આવે છે. ત્યારે હવે તંત્ર દ્વારા ક્યારે કડક કાર્યવાહી કરી ભૂમાફિયાઓ પર અંકુશ લાવશે? તેના પર સૌની નજર મંડાયેલી છે.