ગીર સોમનાથ જિલ્લાનું સરકારી વાહન ભાજપનો પ્રચાર કરતું હોવાની ફરિયાદ
'આપ' દ્વારા સમગ્ર મામલે ચૂંટણી તંત્રને રાવ કરવામાં આવી : વિસાવદર વિધાનસભાના મતક્ષેત્ર ડુંગરપુરમાં વૃક્ષોની ડાળીઓ પર ભાજપના ઝંડાઓ લગાવવામાં આવતા હતા
જૂનાગઢ, : વિસાવદર વિધાનસભાની ચૂંટણીને લઇ આદર્શ આચાર સહિતા અમલમાં હોવા છતાં સરકારી વાહનનો ઉપયોગ કરી ભાજપના ઝંડા લગાડવામાં આવતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. વિસાવદર વિધાનસભા વિસ્તારના ડુંગરપુર નજીક ગીર સોમનાથ જિલ્લાના પાસગની સરકારી રીક્ષામાં ઝંડા રાખી અને વૃક્ષો પર લગાડવામાં આવતા હોવાની ચૂંટણી પંચમાં ફરિયાદ કરી તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
ભાજપ સામે ચૂંટણીના પ્રચારમાં સરકારી તંત્ર અને મશીનરીના દુરૂપયોગના અનેકવાર આક્ષેપો ઉઠી રહ્યા છે. આજે વિસાવદર વિધાનસભા વિસ્તાર હેઠળ આવતા જૂનાગઢ તાલુકાના ડુંગરપુર નજીક એક સરકારી રિક્ષામાં ભાજપના ઝંડા રાખી અને વૃક્ષની ડાળીઓ પર ઝંડા લગાડવાનું કામ કરવામાં આવતું હતું તેવા સમયે લોકો ત્યાં પહોંચી અને વિરોધ કર્યો હતો. ત્યારબાદ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી ચૂંટણી તંત્રને ફરિયાદ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે કે સરકારી વાહનનો ભાજપની ઝંડી લગાડવા માટે ઉપયોગ કરવામાં આવતો હોય તે આચાર સંહિતાનો ભંગ ગણાય છે. તાત્કાલિક આ અંગે જવાબદાર અધિકારી સહિતનાઓ સામે આચારસંહિતા ભંગ મુજબ કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે. GJ-32-G-0445 નંબરની રિક્ષામાં ભાજપના ઝંડા હતા અને તેમાં ઉપર ચડવા માટેની ઘોડી હતી અને તે ઘોડીની મદદ લઈ ઝંડા લગાડવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. GJ-32 પાર્સીગનુ સરકારી વાહન ગીર સોમનાથ જિલ્લાનું છે. આ વાહન વિસાવદરના ચૂંટણી પ્રચારની કામગીરી માટે કેવી રીતે આવ્યું તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ચૂંટણી માટે ગીર સોમનાથ જિલ્લાના સરકારી વાહનો ભાજપનો પ્રચાર માટેની કામગીરી કરતા હોવાનો ઘટસ્ફોટ થતા અનેક સવાલો ઊભા થયા છે.