Gujarat

નર્મદા નિગમની કેનાલ તોડી નાંખનાર બૈતુન નૂર સિટિ સોસાયટીના ભાગીદારો સામે આખરે ફરિયાદ

By GS TEAM
21 Jun 20261 min read
નર્મદા નિગમની કેનાલ તોડી નાંખનાર  બૈતુન નૂર સિટિ સોસાયટીના ભાગીદારો સામે આખરે ફરિયાદ

વડોદરા, તા.21 ડભોઇ તાલુકાના સેગુવાડા ખાતે નર્મદા નિગમની કેનાલમાં તોડફોડ કરી નુકસાન પહોચાડી નવી બંધાતી બૈતુન નૂર સિટિ સોસાયટીના ભાગીદારોને નોટિસો આપવા છતાં સોસાયટીનું બાંધકામ ચાલુ રાખતા આખરે ભાગીદારો સહિત ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

સરદાર સરોવર નર્મદા નિગમના નાયબ કાર્યપાલક ઇજનેર ભાવનાબેન સંજયભાઇ રાઠવાએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં રહીમભાઇ ફીરોજભાઇ ખત્રી (રહે.બોડેલી બસ ડેપોની સામે, અલીપુરા), નાસીરભાઇ (રહે.વડોદરા), જાવેદભાઇ વોરા અને હનિફભાઇ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સેગુવાડા ગામની સીમમાં આવેલી કેનાલનો કેટલોક ભાગ તોડી તેને જમીનદોસ્ત કરી તેના પર સોસાયટી બનાવવાનું કામ ચાલે છે તેવી માહિતીના આધારે તા.૧૬ એપ્રિલના રોજ સ્થળ પર જઇને જોતા નવી બનતી સાઇટ પર આશરે ૨૮૫ મીટર લંબાઇ અને ૧૫ મીટર પહોળાઇવાળો કેનાલનો ભાગ તોડી, કેનાલની માટી હટાવી, બધી જમીન સમતળ કરી ગેરકાયદે દબાણ કર્યું હોવાનું જણાયું હતું અને સોસાયટીનું બાંધકામ ચાલતું હતું.

આ અંગે બાંધકામ સાઇટના ભાગીદારોને નોટિસો આપી કેનાલની પૂર્વવત સ્થિતિ ફરી કરી આપવા જણાવ્યું હતું પરંતુ ભાગીદારોએ કોઇ કાર્યવાહી કરી ન હતી અને નોટિસનો જવાબ પણ આપ્યો ન હતો એટલું જ નહી કેનાલની જમીન પર બંને છેડે ચણતરવાળા કૂવા બનાવી બંનેની વચ્ચે પાઇપલાઇન નાંખી દીધી હતી. સાર્વજનિક મિલકતોને નુકસાન પહોંચાડવા અંગેની ઉપરોક્ત ફરિયાદના પગલે પોલીસે બૈતુન નૂર સિટિ સોસાયટીના ભાગીદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.