વડોદરાઃ ભાયલી વિસ્તારમાં જમીન ધરાવતા અને યુકે માં રહેતા પરિવારજનોએ પાવર ઓફ એટર્ની રદ કર્યો હોવા છતાં તેનું પાનું બદલીને બીજી જમીન માટે પાવર ઓફ એટર્ની ઉભો કરી જમીનના સોદા માટે કારસો રચનાર જીતેન્દ્ર પટેલ અને દિલીપ થાનકી સામે ગુનો નોંધાયો છે.
ભાયલીમાં રહેતા જીગ્નેશ પટેલે પોલીસને કહ્યું છે કે,યુકેમાં રહેતા કિરીટ પટેલ અને તેના પરિવારજનોએ ભાયલીના રેવન્યૂ બ્લોક ૨૩૨ વાળી જમીન વેચવા માટે ભાયલીમાં રહેતા પરિવારજન જીતેન્દ્ર છોટાભાઇ પટેલને વર્ષ-૨૦૧૨માં પાવર ઓફ એટર્ની આપ્યો હતો.આ જમીનનો સોદો શ્રી ડેવલોપરના તેજસ પટેલ સાથે થઇ જતાં પાવર ઓફ એટર્ની રદ કરવામાં આવ્યો હતો.
પરંતુ જીતેન્દ્ર છોટાભાઇ પટેલે રદ થયેલા પાવર ઓફ એટર્નીનું પેજ નંબર-૨ બદલી નાંખી યુકેના જમીન માલિકોની બીજી જમીનોનો સર્વે નંબરનો તેમાં ઉલ્લેખ કરી બોગસ સહી-સિક્કા અને નોટરાઇઝ કરાવ્યું હતું.તેણે જમીનો પચાવી પાડવા માટે દિલીપ શાંતિલાલ થાનકી(મંગલા ઔરા,સારાભાઇ રોડ)ને વેચાણ કરવા બાનાખત કરાવી બોગસ કબજા પાવતી બનાવી હતી.ત્યારબાદ જીતેન્દ્ર અને દિલીપે જમીનો પચાવી પાડવા એકબીજા સામે કેસો કર્યા હતા અને પછી સમાધાન કરી લીધું હતું.
પરંતુ જમીન માલિકોએ તપાસ કરાવતાં સ્ટેમ્પ પેપર અને સહી-સિક્કા બધું બોગસ જણાઇ આવતાં કોર્ટમાંથી સ્ટે લીધો હતો.કોર્ટે પણ આ પાવર ઓફ એટર્ની બોગસ હોવાનું અવલોકન કર્યું હતું.જેથી જમીન માલિકો વતી તેમના કુલમુખત્યાર જીગ્નેશ પટેલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે.


