સુરત પાલિકાની પ્લોટ ભાડે આપવાની નીતિ બની આફતરૂપ, પાલિકાની છ મહિનાના ફાળવણી સામે ભાજપના નેતાઓની પાંચ વર્ષની ગેરંટી
Surat : સુરત પાલિકાના ભાજપ શાસકો સુઓમોટો ઠરાવ કરીને પાલિકાના પ્લોટ ભાજપના કાર્યકરો-નેતાઓને ભાડે આપી રહ્યાં છે. ભાજપ શાસકોની આવી નીતિના કારણે પાલિકાએ રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ હાજર રહેવું પડશે. સુરત પાલિકા પ્લોટની ફાળવણી છ મહિના માટે કરે છે પરંતુ સસ્તા ભાવે પ્લોટ ભાડે લેનારા ભાજપના નેતાઓ પેટા ભાડુઆતને પાંચ વર્ષ સુધી પ્લોટ ભાડે આપવાની ડંફાસ મારી રહ્યાં છે. જેના કારણે આગામી દિવસોમાં પાલિકાની મુશ્કેલી પણ વધી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.
સુરત શહેર ભાજપના હાલના પ્રમુખ અને તત્કાલિન સ્થાયી સમિતિ અધ્યક્ષે પાલિકાના પ્લોટ ભાડે આપી આવક ઉભી કરવાના નામે ભાજપના કાર્યકરોને સેટ કરવા પ્લોટની ફાળવણી શરૂ કરી હતી તે હવે ધીકતો ધંધો બની ગયો છે અને અત્યાર સુધી આસપાસના લોકો આફતરૂપ હતા હવે પાલિકા માટે પણ આ પ્લોટ ફાળવણી આફતરૂપ બની રહ્યાં છે. હાલમાં જ પુણાના એક સમાજ સેવકે પાલિકાના હદ વિસ્તરણના છ વર્ષ પહેલા આ વિસ્તારમાં પ્રિલિમિનરી ટી.પી સ્કીમ જાહેર થઈ ગઈ છે પરંતુ હજી સુધી પૂરતી પહોળાઈના રસ્તા બનાવ્યા નથી. આ ઉપરાંત જાહેર સુલભ શૌચાલયની સુવિધા પણ લોકોને મળી શકી નથી. આ ઉપરાંત શાંતિકુંજ પણ મળ્યા નથી. તો બીજી તરફ પાલિકાએ અનામત ખુલ્લા પ્લોટ છે તે ભાડે આપવામાં આવ્યા છે અને ફૂડઝોનવાળા દ્વારા તગડી આવક મેળવી રહ્યા છે. આવા પ્રકારની પિટિશન બાદ આયોગ દ્વારા પાલિકાને હાજર રહેવા માટે તાકીદ કરવામાં આવી છે.
સુરત પાલિકાના ભાજપ શાસકોએ શહેરના વિવિધ વિસ્તારમાં છ મહિના માટે પાલિકાના પ્લોટ ભાજપના શાસકોના નેતા-કાર્યકરોને ભાડે આપ્યા છે. તેમાં પણ મોકાની જગ્યા એવી આઉટર રીંગરોડ પર મોટા-મોટા પ્લોટો પાણીના ભાવે આપી દીધા છે. જેમાંથી એક પ્લોટ ભાજપના નેતાને ફાળવ્યો છે અને તે પણ છ મહિના માટે ફાળવવામા આવ્યો છે. આ પ્લોટ સમતળ નહી હતો પરંતુ જેમને ભાડે આપ્યા છે તેમને પોતાના ખર્ચે સમતળ કરાવવા માટે નેતાઓ જણાવ્યું છે. ત્યારબાદ તેઓએ પાંચ વર્ષ માટે પ્લોટ ભાડે આપી દીધા હોવાની બાંહેધરી આપી દીધી છે. પાલિકા છ મહિના માટે પ્લોટ ભાડે આપે છે પરંતુ ભાજપના નેતાઓ પ્લોટ માટે પાંચ વર્ષની બાંહેધરી આપી છે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ શાસકોની આડેધડ પ્લોટ ભાડે આપવાની નીતિ પાલિકા માટે વધુ આફત ઉભી કરી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.