સુરત: ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે મારામારી કેસમાં ફરિયાદ નોંધાઈ, પક્ષે બંનેને નોટિસ ફટકારી ખુલાસો માગ્યો

Surat News : સુરત ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે 8 ઑક્ટોબરના બપોરે છુટા હાથની મારામારી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં ભાજપના કાર્યાલય ખાતે કાર્યકર્તા દિનેશ સાવલિયા અને ખજાનચી શૈલેષ જરીવાલા વચ્ચે બબાલ થઈ હતી. જેમાં દિનેશ સાવલિયાએ શૈલેષ જરીવાલાને લાફો ઝીંકી દીધો હતો. સમગ્ર ઘટના મામલે શહેર ભાજપ પ્રમુખે બંને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. તેવામાં શૈલેષ જરીવાલાએ ઉધના પોલીસ મથકમાં દિનેશ સાવલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે.
ભાજપ કાર્યાલય પર બબાલ મામલે પ્રમુખે બંને કાર્યકર્તાને નોટિસ ફટકારી
સુરત ઉધના ભાજપ કાર્યાલય ખાતે નજીવી બાબતે વોર્ડ નંબર-2ના કાર્યકર દિનેશ સાવલિયા અને ખજાનચી શૈલેષ જરીવાલા વચ્ચે બબાલ થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ ભાજપની આબરૂ ધૂળ ધાણી થઈ છે.
આ પણ વાંચો: VIDEO: સુરત ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારી
આ મુદ્દે ભારે હોબાળો થતાં શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું હતું કે, 'આ મામલે બંનેને નોટિસ આપી છે અને ત્રણ દિવસની અંદરમાં લેખિતમાં જવાબ આપવા કહ્યું છે. ઘટનાને લઈને તપાસ કરવામાં આવશે અને જો બંને તેમાં કસૂરવાર જણાશે તો કડક પગલા લેવામાં આવશે.'