પતિ તથા સાસુ- સસરા વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસના આક્ષેપ સાથે પરિણીતાની ફરિયાદ
પાછલા ચાર મહિનાથી પતિ તથા સાસુ- સસરા અવારનવાર ઝઘડો કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે પરણીતાએ ફરિયાદ નોંધાવી હતી.
શહેરના તરસાલી બાયપાસ પાસે રહેતી સુમનબેન પાઠકએ ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2019માં મારા લગ્ન સમાજના રીતરિવાજ મુજબ લલિત લલ્લનભાઈ પાઠક (રહે- અક્ષર વિહાર સોસાયટી, તરસાલી બાયપાસ) સાથે થયા હતા. લગ્નજીવન થકી સંતાનમાં ત્રણ વર્ષની દીકરી છે. ખોટા શક અને વહેમ રાખી પતિ તથા સાસુ - મારી સાથે અવારનવાર ઝઘડો કરી દહેજ બાબતે મહેણાં ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપતા ચાર મહિના અગાઉ કપુરાઈ પોલીસ સ્ટેશનની અરજી આપ્યા બાદ વડીલોની મધ્યસ્થીથી સમાધાન થયું હતું. ગત તા. 6 એપ્રિલના રોજ સાસુ કૌશલ્યા મારા ઘરે આવી "તારે તારા પિયરમાં જવાનું નથી, તારી દીકરીને પ્રોપર્ટીમાં ભાગ મળશે નહીં"તેમ કહી મને ગડદાપાટુનો માર માર્યો હતો. આ સમયે પતિ હાજર હોય મારો બચાવ કર્યો ન હતો. મને હાથ અને ગળાના ભાગે ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર બાદ ફરિયાદ નોંધાવી છે.