જામનગર જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ બે ગુના નોંધાયા
મોટા થાવરીયા ગામે મહિલાએ પોતાની જમીન પચાવી પાડનારા ત્રણ પિતરાઈ ભાઈઓ સામે ફરિયાદ નોંધાવી
જામનગરમાં મયુર ટાઉનશીપ વિસ્તારમાં રહેતા ગિરધરભાઈ ગોરધનભાઈ કથીરિયા નામના ૫૮ વર્ષના ખેડૂતે લાલપુર પોલીસ મથકમાં પોતાની બાધલા ગામમાં આવેલી પાંચ વીઘા ખેતીની જમીનમાં ગેરકાયદે પેશકદમી કરી લઈ જમીન પચાવી પાડવા અંગે પોતાના જ ભત્રીજા નયન રમેશભાઈ કથીરિયા અને વિમલ રમેશભાઈ કથીરિયા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પોતાના બંને ભત્રીજાઓ કે જેઓ હાલ ગલ્ફ ક્ન્ટ્રીના કતારમાં રહે છે. અને તેઓએ પોતાની જમીનમાં વાવેતર કરવા માટે થોડો સમયની માંગણી કર્યા બાદ જમીન ખાલી કરીને પરત આપી ન હતી.આ મામલે જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરવામાં આવી હતી.તપાસ બાદ બંને ભાઈઓ સામે લાલપુર પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
લેન્ડ ગ્રેબિંગ એક્ટ નો બીજો ગુનો જામનગર નજીકના પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધવામાં આવ્યો છે. મૂળ જામનગરના વતની અને હાલ વડોદરામાં રહેતા શોભનાબેન હિતેશભાઈ પટેલ નામના ૫૫ વર્ષીય મહિલાએ જામનગર નજીક મોટા થાવરીયા ગામમાં આવેલી પોતાની વારસાઈ મિલકત પૈકીની જમીનમાં ગેરકાયદે પેશકદમી કરી મકાનો બનાવી લઈ વસવાટ કરવા અંગે પોતાના જ પિતરાઈ ભાઈઓ ધીરુભાઈ દેવશીભાઈ ચોવટીયા, જયંતીભાઈ દેવશીભાઈ ચોવટીયા, અને રતિલાલ દેવશીભાઈ ચોવટીયા સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને જામનગર ગ્રામ્ય વિસ્તારના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને વધુ તપાસ ચલાવાઈ રહી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મહિલાની મોટા થાવરીયા ગામમાં તેઓની વારસાઈ જમીન આવેલી છે. જે જમીન તેઓએ પોતાની માતા પાસેથી ખરીદ કરેલી હતી. તે જમીનમાં તેણીના જ ત્રણ પિતરાઈ ભાઈઓએ ગેરકાયદે મકાન બનાવી અને અન્ય જગ્યામાં દબાણ કરી લીધું હોવાથી જામનગરના જિલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરવામાં આવી હતી. જે અરજીની તપાસના અંતે પોલીસ રિપોર્ટ તૈયાર કર્યા બાદઆ જગ્યામાં ગેરકાયદેસર કબજો હોવાથી ત્રણેય ભાઈઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


