આધાર કાર્ડ અપડેટ કરવા માટે જન્મનું ખોટું સર્ટિફિકેટ રજૂ કરતા ફરિયાદ

વડોદરા,આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે જન્મનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરવાના બે વધુ કિસ્સા સામે આવ્યા છે. વોર્ડ ૧૭ અને ૧૯ માં જન્મનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મકરપુરા ગામ બેન્ક ઓફ બરોડાની સામે આવેલી કોર્પોરેશનની વોર્ડ નંબર ૧૯ ની કચેરીમાં મકરપુરા એરફોર્સ સ્ટેશનની પાછળ આમ્ર રેસિડેન્સીમાં રહેતા ઝુનઝુન મુક્તેશ્વરભાઇ તિવારી પોતાના દીકરાનું આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ગયા હતા. તેમણે દીકરાના જન્મનું ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યુ હતું. જે અંગે તેઓને પૂછતા જણાવ્યું હતું કે, આઠ મહિના અગાઉ મકરપુરા પાવનધામ સોસાયટીની એક દુકાનમાં સાયબર કાફે ચલાવતા રણજીતભાઇ દેવરે પાસેથી કઢાવ્યો હતો. ઉપરોક્ત વિગતો દર્શાવતી ફરિયાદ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શમિક જોશીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.વોર્ડ નંબર ૧૭ માં પણ આ રીતે પોતાના દીકરાનું આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે જન્મનું ખોટું પ્રમાણપત્ર કિશન જશભાઇ કાંસકીવાલા (રહે. દાજીપુરા ફળિયું, વડદલા ગામ, તરસાલી બાયપાસ પાસે) ની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કિશન કાંસકીવાલાએ જણાવ્યું હતું કે, વડદલા ગામમાં જન્મના દાખલા કાઢી આપવાનો કેમ્પ કરવા આવેલા બહેન પાસેથી કઢાવ્યો હતો.








