Gujarat

મિત્ર સાથે મળીને પિતા સાથે જ છેતરપિંડી કરતા પુત્ર સામે ફરિયાદ

By GS TEAM
27 Jun 20252 mins read
મિત્ર સાથે મળીને પિતા સાથે જ છેતરપિંડી કરતા પુત્ર સામે ફરિયાદ

વડીલોપાર્જીત જમીન વેચાણના આવેલા રૃપિયા પુત્ર અને પુત્રના મિત્રે ભેગા મળીને પડાવી લીધા હોવાની ફરિયાદ પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

તરસાલી અયોધ્યા ટાઉનશિપમાં રહેતા ૫૮ વર્ષના રમેશભાઇ ચંદુભાઇ  પટેલ ડ્રાઇવિંગ કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - ૨૦૨૧ માં મારી વડીલોપાર્જીત અઢી વીંઘા જમીન ૨૦ લાખ આવ્યા હતા. જેમાંથી મેં મારૃં દેવુ ચૂક્તે કરી દીધું હતું. તેમજ દવાખાના અને ઘરનો ખર્ચ કર્યા પછી ૧.૫૧ લાખ બચ્યા હતા.મારા દીકરા રોમિતના મિત્ર  હાર્દિક અરવિંદભાઇ મકવાણા (રહે. ચિખોદ્રા ગામ) એ મને કહ્યું હતું કે, આ રૃપિયા તમારા પુત્ર રોમિતના નામે એફ.ડી.માં મૂકી દઇએ. જેથી,મેં તેને રોકડા ૧.૫૧  લાખ આપી દીધા હતા.  આ રૃપિયાની મારા પુત્ર રોમિતના નામે એફ.ડી. કરી હોવાની  પાવતી આપી હતી. વર્ષ - ૨૦૨૨ માં ભાઇઓએ બીજી જમીન વેચી હતી. તેમાંથી મારા ભાગે ૨૦ લાખ આવ્યા હતા. રોમિત અને હાર્દિકે મને કહ્યું કે, જો બધા રૃપિયા તમારા નામે મૂકશો તો ઇન્કમટેક્સવાળા  હેરાન કરશે. તેવું કહીને મારા દીકરાના એકાઉન્ટમાં  રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ મને  ઇન્કમટેક્સની ખોટી નોટિસ બતાવી તેમજ ૧૮ ટકા જી.એસ.ટી. નહીં ભરો તો પોલીસવાળા  પકડી જશે. તેવું કહીને રૃપિયા પડાવ્યા હતા. તેમજ તમારૃં પાન કાર્ડ અને આધાર કાર્ડ ઇન્કમટેક્સવાળાએ બ્લોક કરી દીધું છે. તેવું કહીને પણ મારી પાસેથી ૨.૩૦ લાખ પડાવી લીધા હતા.મેં મારી દાગીના ગીરવે મૂકી, બાઇક વેચી તેમજ મિત્રો પાસેથી પૈસા લઇને હાર્દિકને આપ્યા હતા. મારા દીકરા  રોમિત તથા તેના મિત્ર હાર્દિકે મારી  પાસેથી ૨૧.૬૩ લાખ પડાવી લીધા  હતા.