પગના ભાગે ગોળી વાગતા ઇજા ઃ હુમલો કરી આરોપી નાસી છુટયો
ઇજાગ્રસ્ત જિ.પં.ના સદસ્ય અને ભાજપના આગેવાનનો પુત્રઃ આરોપી ડિસ્ટ્રિ.
બેંકના ચેરમેન'ને ભાજપના આગેવાનના ભાઈ
સુરેન્દ્રનગર - મુળીમાં રહેતા સત્યજીતસિંહ રાજેન્દ્રસિંહ પરમારને અગાઉ
ગામમાં જ રહેતા હરીચંદ્રસિંહ જેઠુભા પરમાર સાથે વાહન સાઈડમાં ચલાવવા બાબતે બોલાચાલી
થઈ હતી અને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. જેનું મનદુઃખ રાખી ગત તા.૨૫
જાન્યુઆરીના રોજ સાંજે સત્યજીતસિંહ મુળી મેઈન બજારમાં બેઠા હતા ત્યારે
હરીચંદ્રસિંહ બાઈક લઈને આવ્યા અને અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી પોતાના ખિસ્સામાં
રહેલી હથકડી કાઢી સત્યજીતસિંહને માર માર્યો હતો.
સત્યજીતસિંહના મિત્ર છત્રસિંહ મહિપતસિંહ છોડાવવા જતા હરીચંદ્રસિંહે તેમને પણ
ધક્કો મારી પાડી દીઘા હતા. ત્યારબાદ હરીચંદ્રસિંહે મારી નાખવાના ઇરાદે પિસ્તોલ વડે
સત્યજીતસિંહ પર રાઉન્ડ ફાયરિંગ કરતા એક ગોળી માથા પાસેથી નીકળી ગઈ હતી. જ્યારે બીજો
રાઉન્ડ પગ ફાયરિંગ કરતા સત્યજીતસિંહને ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી
છૂટયા હતા.
ઈજાગ્રસ્તને સારવાર અર્થે પ્રથમ મુળી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે
સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જે અંગે સત્યજીતસિંહે મુળી પોલીસ
મથકે ફાયરિંગ કરી ઈજા પહોંચાડનાર હરીચંદ્રસિંહ જેઠુભા પરમાર (રહે. લીમલી-પા, મુળી)
સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હરીચંદ્રસિંહ પરમારને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં ફાયરિંગનો ભોગ બનનાર સત્યજીતસિંહ પરમાર હાલ મુળી તાલુકા
યુવા ભાજપના પ્રમુખ અને તેમના પિતા રાજેન્દ્રસિંહ પરમાર હાલ જિલ્લા પંચાયતના સદસ્ય
છે. જ્યારે ફાયરિંગ કરનાર શખ્સ હરીચંદ્રસિંહ પરમાર નિવૃત્ત પોલીસ કર્મચારી અને
ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અને ભાજપના આગેવાન હરદેવસિંહ પરમારના ભાઈ થતા હોવાનું
જણાઈ આવ્યું હતું. આમ ભાજપના નેતાના પુત્ર અને યુવા ભાજપના હોદ્દેદાર પર ફાયરિંગ
ખુદ ભાજપના આગેવાનના ભાઈ દ્વારા જ ફાયરિંગ કરતા રાજકીય માહોલ ગરમાયો છે.


