અમદાવાદની રિયલ એસ્ટેટ ડેવલપર્સ કંપનીના માલિકો સામે 7.5 કરોડની છેતરપિંડીની ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક મોટી નાણાકીય છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. શહેરની જાણીતી કુંજ ઈન્ફ્રા ડેવલોપમેન્ટ પ્રા. લી. અને અર્હમ ડેવલોપર્સના માલિકો તેમજ અન્ય ડેવલપર્સ સહિત કુલ 8 વ્યક્તિઓ વિરુદ્ધ કરોડોની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં અરજદારની કુલ 16 ઓફિસ બારોબાર વેચી દેવાનો આરોપ છે, જેની બજાર કિંમત આશરે રૂ. 7,50,00,000 (સાત કરોડ પચાસ લાખ) આંકવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
ફરિયાદ મુજબ, અરજદારે વર્ષ 2011 થી 2024 દરમિયાન કુંજ ઈન્ફ્રા ડેવલોપમેન્ટ પ્રા. લી. તથા તેના માલિકો કેયુરભાઈ અને કિરણભાઈ વિરુદ્ધ નામદાર કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. આ દાવો પાછો ખેંચાવવા માટે, કેયુરભાઈ અને કિરણભાઈએ સેવંતીલાલ ફકીરચંદ એન્ડ કંપની પ્રા. લી. અને અર્હમ ડેવલોપર્સના માલિક અજય ફકીરચંદ ગાંધી સાથે મળીને સમજૂતી કરી હતી.
સમજૂતી કરાર મુજબ, અરજદારને કુંજ ગ્રાન્ડ મોલની કુલ 16 ઓફિસો આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. આ કરાર મધ્યસ્થી અરવિંદભાઈ જયંતિભાઈ પરીખની સી.જી. રોડ સ્થિત ઓફિસ ખાતે થયો હતો.
કબજો આપીને પણ મિલકત વેચી દીધી હોવાનો આરોપ
સમજૂતી બાદ, સેવંતીલાલ ફકીરચંદ એન્ડ કંપની પ્રા. લી. અને અર્હમ ડેવલોપર્સના અધિકૃત પાવર હોલ્ડરો (ડીમ્પલ રમેશભાઈ શાહ અને રમેશભાઈ માધવભાઈ શાહ) એ અરજદારને કુલ 16 ઓફિસોના પઝેશન લેટર સાથે કબજો આપ્યો હતો. એટલું જ નહીં, દસ્તાવેજ માટે જંત્રી પેટે અરજદાર પાસેથી વધારાના રૂ. 16,00,000 પણ મેળવી લીધા હતા.
આ બધું થયા છતાં, આ તમામ આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં 7.5 કરોડ રૂપિયાની કિંમતની કબજાવાળી આ 16 ઓફિસો રૂપલબેન કમલેશભાઈ પરમાર અને નતાશા શંકર રાવને બારોબાર વેચી દઈને દસ્તાવેજ કરી આપ્યા હતા.
આરોપીઓ દ્વારા શરૂઆતથી જ અરજદારનો દાવો પરત ખેંચાવીને આર્થિક લાભ મેળવવાનો ઈરાદો હતો અને તે હેતુથી છેતરપિંડી કરવા માટે કાવતરું રચીને વિશ્વાસઘાત કર્યો હોવાનો આરોપ અરજદારે મૂક્યો છે. પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








