Get The App

મહેલજના જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની પેઢી સામે કાયદાનો ભંગ કરતાં ફરિયાદ

Updated: Aug 2nd, 2025

GS TEAM

Google News
Google News
મહેલજના જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની પેઢી સામે કાયદાનો ભંગ કરતાં ફરિયાદ 1 - image


આવશ્યક ચીજવસ્તુના કાયદાનો ભંગ બદલ કાર્યવાહી

સ્ટોકમાં તફાવત, ખોટા બિલો રજૂ કરવા અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ગુનો નોંધાયો

નડિયાદ: માતરના મહેલજ ગામમાં આવેલી જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી સામે આવશ્યક ચીજવસ્તુના કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પેઢીમાં ઘઉં, ચોખા, કણકી અને બાજરીના જથ્થામાં સ્ટોકપત્રક મુજબ મોટો તફાવત મળી આવ્યો હતો. આ ઉપરાંત, ખોટા બિલો રજૂ કરવા, ભાવનું બોર્ડ ન લગાવવું અને સરકારી નિયમોનો ભંગ કરવા જેવી ગેરરીતિઓ પણ સામે આવી છે. આ મામલે  નાયબ મામલતદાર યશરાજ નયનકુમાર કવિએ ફરિયાદ નોંધાવી છે. 

મહેલજ ગામે આવેલી જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝની આકસ્મિક ચકાસણી તા. ૨૪.૦૩.૨૦૨૫ના રોજ પુરવઠાના મામલતદારો દ્વારા હાથ ધરાઇ હતી. આ તપાસમાં સ્ટોકપત્રક અને વાસ્તવિક સ્ટોકમાં તફાવત સામે આવ્યો હતો.જેમાં કણકી ૧૦૦૦.૦૦ કિલોગ્રામ વધુ અને ચોખા ૬૯૬૦.૦૦ કિલોગ્રામ, ઘઉં ૫૪૫૦.૦૦ કિલોગ્રામ ઓછો જણાવાયો હતો. પેઢીના માલિકો સ્ટોકના આ તફાવત અંગે કોઈ સંતોષકારક ખુલાસો આપી શક્યા ન હતા. 

આ ઉપરાંત, નિયમાનુસાર સ્ટોકપત્રક ન નિભાવવું , અનાજના જથ્થાની આવક-જાવક અને ભાવનું બોર્ડ ન લગાવવું , તેમજ ખોટા બિલો બનાવવાની ગેરરીતિ પણ સામે આવી હતી. તપાસ દરમિયાન, પેઢી દ્વારા રજૂ કરવામાં આવેલા ચોખાના ખરીદીના બિલોની ખરાઈ કરતા મામલતદાર, કઠલાલના અહેવાલમાં જણાવ્યું હતું કે સુભાષ જનરલ સ્ટોર, ગોધરા દ્વારા આ પેઢી સાથે ચોખાનો કોઈ વેપાર કરવામાં આવ્યો નથી.

જેથી પ્રતિવાદીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા તમામ બિલો ખોટા હતા. વધુમાં, ઘઉંના જથ્થા માટે ભારત સરકારના પોર્ટલ પર રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું ન હતું , જે નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. આ તમામ ગેરરીતિઓને ધ્યાનમાં લઈને જિલ્લા  મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. કોર્ટના હુકમ મુજબ, પ્રતિવાદીઓ દ્વારા કરવામાં આવેલી ગેરરીતિઓ સ્પષ્ટપણે સાબિત થતાં, નાયબ મામલતદાર (પુરવઠા), માતર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અહેવાલ આપવામાં આવ્યો હતો. આ અહેવાલના આધારે, માતર પોલીસે આરોપીઓ સોએબમહંમદ ઉસ્માનગની વ્હોરા અને ઉસ્માનગની અલ્લારખાં વ્હોરા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

Tags :