કેનેડા મોકલવાના બહાને 4.25 લાખ પડાવી લેનાર ટોળકી સામે ફરિયાદ

Vadodara Visa Fraud : કેનેડા મોકલવાના બહાને છાણીના રહીશ પાસેથી 4.25 લાખ પડાવી લઇ ભેજાબાજ યુવતીએ પોતાનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જે અંગે છાણી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
છાણી રામા કાકા ડેરી પાસે યોગીનગર ટાઉનશિપમાં રહેતા રાજેશકુમાર બાપુજીભાઇ પેટેલે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વડોદરામાં મને યોગ્ય મહેનતાણું મળતું નહીં હોવાથી વેબસાઇટ પર કેનેડા જવા માટે એજન્સીઓની તપાસ કરતો હતો. ગત 26મી માર્ચે મને પ્રીતિ ચૌહાણ નામની મહિલાએ ફોન કરીને જણાવ્યું હતું કે, હું બ્લુ ટેક વિઝા કન્સલ્ટન્સીમાંથીવાત કરું છું. તમને કેનેડાના વિઝામાં રસ છે ? મેં હા પાડી કહ્યું હતું કે, મારી પાસે હમણા પૈસા નથી. ત્યારે તેણે કહ્યું કે, હમણા પૈસા આપવાની જરૂર નથી. તમે કેનેડા પહોંચી જાવ પછી તમારા પગારમાંથી રૂપિયા કપાઇ જશે. મેં પ્રીતિ ચૌહાણને મારા દસ્તાવેજો મોકલી આપ્યા હતા. બે દિવસ પછી મને કેનેડાના નંબર પરથી કોલ આવ્યો હતો અને મારો ઇન્ટરવ્યૂ લીધો હતો. થોડા દિવસ પછી પ્રીતિએ મને કોલ કરીને કહ્યું કે, કાકા તમારું સિલેક્શન થઇ ગયું છે. ત્યારબાદ ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન, એમ્બસીની ફી, બેંક એકાઉન્ટ ખોલાવવા, બાયો મેટ્રિક, ટિકિટના બહાને મને સમજાવી મારી પાસેથી કુલ રૂપિયા 4.25 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ પ્રીતિ ચૌહાણે મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. છાણી પોલીસે પ્રીતિ ચૌહાણ, પ્રાચી રાજપૂત, મસ્તાનસિંગ તથા યાસિન સામે ગુનો દાખલ કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.

