Get The App

નિવૃત્ત આઇપીએસ અધિકારીના નામે છેતરપિંડી કરનાર ચાર સામે ફરિયાદ

Updated: Jul 6th, 2025

GS TEAM

Google News
Google News
નિવૃત્ત આઇપીએસ અધિકારીના નામે છેતરપિંડી કરનાર ચાર સામે ફરિયાદ 1 - image


મુંબઈની કોર્ટમાંથી સમન્સ આવતા સતીષ શર્મા ચોંકી ઉઠયા

પોલીસે મુંબઈના ત્રણ અને બેંગલોરના વ્યક્તિ સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી

ગાંધીનગર :  ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓના નામે છેતરપિંડીની ઘટનાઓ વધતી હોય છે ત્યારે નિવૃત્ત આઇપીએસ અધિકારીના નામે છેતરપિંડી કરનાર મુંબઈના ત્રણ અને બેંગ્લોરના એક વ્યક્તિ સામે સેક્ટર ૭ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉચ્ચ અધિકારીઓ અને રાજનેતાઓના નામનો ઉપયોગ કરીને ગઠિયાઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હોય છે ત્યારે આ વખતે રાજ્યના નિવૃત્ત આઇપીએસ અધિકારી સતીશ વર્માના નામનો ઉપયોગ કરીને મુંબઈ અને બેંગ્લોરના વ્યક્તિઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. ગત ૩૦મી મેના રોજ સતીશ વર્માને મુંબઈની સીબીડી બેલાપુર કોર્ટમાંથી સમન્સ આવતા સમગ્ર પ્રકરણનો ભાંડો ફૂટયો હતો. જે અંગે તેમણે ગાંધીનગરના સેક્ટર ૭ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, વિનોદ જયસ્વાલ રહે, દુકાન નંબર ૩૮એ, પ્લોટ નંબર ૭૧, સેક્ટર ૧૭, મુંબઇ સીટી, રોક સેરાવ રહે, પ્લોટ નંબર ૨૦, બી-વીંગ, ફ્લેટ નંબર ૨૧૦, સેક્ટર ૧૧, મુંબઇ સીટી, મે.બ્રાન્ડ મેકર્સ રહે, દુકાન નંબર ૩૮ એ અરેન્જા કોર્નર, પ્લોટ નંબર ૭૧, સેક્ટર ૧૭, મુંઇબ સીટી અને મઝાર અલી બેગ્સ રહે, ૨૧૨ બીજો માળ, નેશનલ ગેમ્સ વિલેજ, સાઉથ બેંગ્લોર, બેંગલુરૃ દ્વારા તેમના નામનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો. તેઓ જ્યારે સુરતના કમિશનર હતા તે સમયે તેમનો મોબાઇલ નંબર જાહેર કરવામાં આવેલો હતો. જેથી આ શખ્સો દ્વારા તેમનું નામ મોબાઈલ અને સરનામા સહિતની વિગતોને આધારે છેતરપિંડી કરવામાં આવી હતી તેમણે ફરિયાદમાં લખાવ્યું હતું કે,નિવૃત્તિ પછી તેમણે ક્યારેય કોઈને ટ્રેસ કરવાનું કે કોઈના બાકી લેણાં વસૂલ કરવાનું વચન આપ્યું નથી કે તેમની પાસે કોઈ ટીમ પણ કાર્યરત નથી. તેમણે ઓગસ્ટ ૨૦૧૯માં નિવૃત્ત થયા પછી ક્યારેય બેંગલુરુ કે દુબઈની મુસાફરી કરી નથી અને તેમને કોઈપણ આરોપી પાસેથી કોઈ પૈસા મળ્યા નથી. જેથી આ સંદર્ભે હાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

 

Tags :