Get The App

આંગડિયા પેઢીને ૫૨.૩૩ લાખ નહીં ચૂકવતા પિતા, પુત્ર સામે ફરિયાદ

ઘરે ઉઘરાણી કરવા ગયેલા વેપારીને મહિલાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
આંગડિયા પેઢીને ૫૨.૩૩ લાખ નહીં ચૂકવતા પિતા, પુત્ર સામે  ફરિયાદ 1 - image

વડોદરા,આંગડિયા પેઢી મારફતે આંગડિયાનું કામ કરતા શખ્સે ૫૨.૩૩ લાખ  પોતાના ગ્રાહકોને મોકલી આપ્યા હતા. ત્યારબાદ આંગડિયા પેઢીને રૃપિયા ચૂકવી આપ્યા નહતા. રૃપિયાની ઉઘરાણી કરતા ખોટા કેસમાં  ફસાવી દેવાની  ધમકી આપી હતી.

માંજલપુર દરબાર ચોકડી પાસે  રામદેવનગરમાં રહેતા જગદીશભાઇ  પટેલ આંગડિયા પેઢી ચલાવે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેમણે  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારી આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે બળવંતસિંહ ચાવડા છેલ્લા ૧૫ વર્ષથી નોકરી કરે છે. અમારી પેઢીનો રોજીંદો વ્યવહાર કરતા વ્યક્તિઓ પૈકી એક રાજેશ ઉર્ફે રાજુ અમૃતભાઇ વિહોલ (રહે. સિલ્વર ઓક એપાર્ટમેન્ટ, હરણી તથા કેનિયાનગર સમા સાવલી રોડ) છે. છેલ્લા પાંચ વર્ષથી તે અમારી પેઢી મારફતે તેના સંપર્કમાં રહેલા વ્યક્તિઓને આંગડિયું કરે છે. તેના પિતાજી  પણ અમારી ત્યાં બે વર્ષ નોકરી કરી હોઇ તેઓ  પર વિશ્વાસ રાખ્યો હતો. તેઓ અમારી  પેઢીનો ઉપયોગ કરી કામકાજ કરાવતા હતા. આંગડિયુ લેનાર વ્યક્તિનું નામ, રકમ તથા આંગડિયું મેળવનાર સ્થળ જણાવે તે પ્રમાણે અમે અમારી પેઢી મારફતે આંગડિયું કરી દેતા હતા. નવેમ્બર - ૨૦૨૫ માં તેમના કહેવા મુજબ અમે કરેલા આંગડિયાના કુલ ૫૨.૩૩ લાખ રૃપિયા તેઓએ ચૂકવ્યા નહીં હોવાથી અમે તેઓનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, તમારા રૃપિયા આપી દઇશું. પરંતુ, ત્યારબાદ તેઓએ ફોન રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું. અમે તેમના ઘરે જતા તેઓ મળ્યા નહતા. તેઓની દુકાને જઇને વાત કરતા ગર્ભિત ધમકી આપી હતી કે, તમે અમારા ઘરે કયા  કારણસર ગયા હતા, તમારાથી થાય તે કરી લેજો. હાલમાં રૃપિયા આપવાના નથી. જો તમે મારા ઘરે જશો તો મહિલાના ખોટા કેસમાં ફસાવી દઇશું.પોલીસે રાજેશ, તેના ભાઇ ઉપેન તથા પિતા અમૃતજી દોલાજી વિહોલ સામે ગુનો દાખલ કર્યો છે.