માતરની પરિણીતાના સિઝેરિયનમાં મોત મામલે ડૉક્ટર વિરૂદ્ધ ફરિયાદ
- વસો જનરલ હોસ્પિટલમાં સવા બે વર્ષ અગાઉ
- મહિલાને ઓપરેશનમાં રક્તસ્ત્રાવ થવાના કારણે મૃત્યુ થયાના પીએમ રિપોર્ટમાં ઉલ્લેખ બાદ કાર્યવાહી
ખેડા શહેરના ભાઠા વિસ્તારમાં રહેતા ભુપતભાઈ ગાંડાભાઈ વાઘેલાની દીકરી વર્ષાના લગ્ન માતરના ભાવેશભાઈ નટવરભાઈ ચૌહાણ સાથે થયા હતા. ગત તા.૯/૪/૨૦૨૩ ના રોજ વર્ષાબેનને ડીલેવરી સમય નજીક આવતા પેટમાં દુઃખાવો થતા વસો જનરલ હોસ્પિટલમાં ડોક્ટર રમણ ભરવાડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટર રમણ ભરવાડે સિઝેરિયન ઓપરેશન કરવું પડશે તેમ જણાવ્યું હતું. ડોક્ટરે વર્ષાબેનની ઓપરેશન કરી ડીલેવરી કરતા બાળકીનો જન્મ થયો હતો પરંતુ વર્ષાબેન પણ બેભાન હાલતમાં હતા. ઓપરેશન બાદ મહિલા દર્દીના ગુપ્ત ભાગેથી લોહી નીકળતું હતું. જેની જાણ ડોક્ટરને કરવામાં આવી હતી પરંતુ, ડોક્ટર રમણ ભરવાડે તે બાબતને ગંભીરતાથી લેવાને બદલે હોસ્પિટલમાંથી ચાલ્યા ગયા હતા. બાદમાં મોડી રાત્રે વર્ષાબેનને ડોક્ટરે તપાસતા મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. વર્ષાબેનના પતિએ જે તે સમયે વસો પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. વર્ષાબેનના મૃતદેહનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાતા મહિલાને ઓપરેશન દરમિયાન રક્તાવ થવાના કારણે મોત નિપજ્યું હોવાનું પીએમ રિપોર્ટમાં જણાવ્યું હતું. ડોક્ટરના ઓપરેશન કર્યા બાદ તબીબની બેદરકારીના કારણે મોત થયા હોવાનું પરિવારજનોને જાણવા મળ્યું હતું. અગાઉ ઘણા કેસોમાં આ ડોક્ટરે કરેલા ઓપરેશન બાદ મહિલાઓના મૃત્યુ પામ્યાની ચોકાવનારી હકીકત બહાર આવી હતી. આ બનાવ સંદર્ભે મૃતક દીકરીના પિતા ભુપતભાઈ ગાંડાભાઈ વાઘેલાએ વસો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડો. રમણભાઈ ભરવાડ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.