Gujarat

સેકટર-૪ની પરિણીતાને આપઘાત માટે મજબૂર કરાયાની ફરિયાદ નોંધાવાઇ

By GS TEAM
3 Jul 20251 min read
સેકટર-૪ની પરિણીતાને આપઘાત માટે મજબૂર કરાયાની ફરિયાદ નોંધાવાઇ

ત્રણ દિવસ પહેલા ગળેફાંસો ખાધો હતો

અમદાવાદ રહેતા પતિ, સાસુ અને સસરા સામે મૃતકની બહેન દ્વારા ગુનો નોંધાવાતા પોલીસ દ્વારા તપાસ શરૃ કરાઇ

ગાંધીનગર  :  ગાંધીનગરના સેક્ટર ૪ના વિસ્તારમાં પિયર આવેલી પરિણીત યુવતીએ ત્રણ દિવસ પહેલા ગળે ફાંસો ખાઇને મોતને વહાલુ કરી લીધુ હતું. આ બનાવ સંબંધમાં તેની બહેન દ્વારા મૃતકના અમદાવાદ રહેતા પતિ, સાસુ અને સસરા સામે આપઘાત કરવા માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધાવતા સેક્ટર ૭ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ બનાવ સંબંધે સેક્ટર ૪-સીમાં રહેતા ધમષ્ઠાબેન ભરતભાઇ સોલંકી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમાં આરોપી તરીકે તેની મૃતક બહેન સંગીતાના અમદાવાદમાં વાડજ વિસ્તારમાં આવેલા વિશ્રામ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા પતિ દર્શન જગદિશભાઇ ચાવડા, સાસુ અનિતાબેન અને સસરા જગદિશભાઇ હીરાલાલ ચાવડાને દર્શાવ્યા છે. ફરિયાદમાં જણાવાયા પ્રમાણે સંગીતાબેનના લગ્ન ડિસેમ્બર ૨૦૨૪માં મુળ કોલવડાના અને અમદાવાદ રહેતા દર્શન ચાવડા સાથે કરવામાં આવ્યા હતાં. પરંતુ લગ્ન એક માસ બાદ જ બબાલો શરૃ કરી હતી. પરિણામે જ્યારે ફરિયાદી અને પરિવારે તેની સાસરીમાં જઇને તપાસ કરી ત્યારે આરોપી દારૃ પીને પત્ની સંગીતાને હેરાન કરી મારઝુડ કરતો હોવાનું જાણવા મળ્યુ હતું. આખરે તેણે ફરિયાદીને ફોન કરીને સંગીતાને સાસરીમાંથી લઇ જવા અને છુટાછેડા લેવાની વાત કરી હતી. જેના પગલે સંગીતાને પિયર લાવવામાં આવ્યા બાદ તેણે ગળેફાંસો ખાઇ લીધો હતો.